• વિશ્વના 70 દેશોને કોરોના વેક્સિન પૂરી પાડીને ભારતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
  • કેરલના રાજયપાલે સજોદથી સાર્વજનિક હાઈસ્કૂલ સુધી ચાલીને પદયાત્રીઓ સાથે પદયાત્રા કરી
  • અંકલેશ્વર તપોવન આશ્રમથી સજોદ ગામ સુધી દાંડીયાત્રીઓનું ઠેર ઠેર ફૂલવર્ષા કરી સ્વાગત કરતાં ગ્રામજનો

WatchGujarat આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 12 માર્ચે અમદાવાદથી શરૂ થયેલી દાંડીયાત્રાના 16માં દિવસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઓમ તપોવન આશ્રમ ખાતેથી સજોદ ગામ તરફ જવા પ્રસ્થાન થઈ હતી.

સજોદ ગામેથી કેરળના રાજ્યપાલ આરીફ મોહંમદ ખાને પદયાત્રામાં સહભાગી થઈ યાત્રિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ વેળાએ પદયાત્રીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે તમે સાધારણ પદયાત્રીઓ નથી દાંડીયાત્રાનો સંદેશો દેશને પહોચાડી રહ્યા છે. તેમજ પદયાત્રી મૃણાલી હાર્ડ સાથેની વાતચીતમાં કહ્યું કે તમે ખૂબ જ નાની વયે દાંડીયાત્રામાં જોડાયા છો તે ખૂબ જ આનંદની વાત છે.

સજોદ ગામના ગ્રામજનોએ હરોળમાં ઉભા રહીને યાત્રીઓ પર પુષ્પાવર્ષા કરી હતી. ભારત માતાકી જ્ય અને ગાંધીજી અમર રહો ના નારાઓથી તેમને આવકાર્યા હતા અને શાળાની બાળાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પદયાત્રીઓને સંબોધન કરતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, અંગ્રેજો ગાંધીજીની દાંડી યાત્રાને નાનકડી કૂચ ગણીને ગંભીરતાથી લીધી ન હતી.

પગપાળા યાત્રા એટલા માટે મહત્વની સાબિત થઈ કારણ કે દાંડીકૂચથી ક્યારેય અસ્ત ન થતાં બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. પગપાળા ચાલવું એ આત્મબળનું પ્રતિક છે. ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે સાચું બળ સંખ્યા, નાણાં કે ભૌતિક સંસાધનોથી નહીં, પરંતુ આત્મશક્તિથી પ્રાપ્ત થાય છે.

દાંડી યાત્રાના આખરી દિવસોમાં 50 થી 60 હજાર લોકોનું સમર્થન મળ્યું જે અંગેજો સામેની લડાઈમાં નિર્ણાયક સાબિત થયું. કેરલના રાજ્યપાલ મોહંમદ ખાને વધુમાં કહ્યું કે, પૂજ્ય બાપુનું એક એક કાર્ય, તેમના જીવનનું પ્રત્યેક પગલું આધ્યાત્મિકતાના તેજમાંથી ઉદભવતું હતું. બાપુ માનતા હતા કે સત્ય એ જ ઈશ્વરનું બીજું રૂપ છે.

ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઈતિહાસને વિદેશી શક્તિઓએ હાંસિયામાં ધકેલી ભારતીયોને સતત નીચા દેખાડવાનું કાર્ય કર્યું, પરંતુ પૂજ્ય બાપુએ દેશને જાગૃત્ત કરી એકસૂત્રમાં બાંધ્યો. ગાંધીજીની અહિંસાનો અર્થ કાયરતા અને શક્તિહીનતા સાથે નથી, જોખમો સામે લડવું, સ્વરક્ષણ કરવું, પરંતુ દુશ્મનો સામે પણ કુટિલ ભાવ ન હોવો એ અહિંસા છે, તેમણે જણાવ્યું કે, બાપુના વિચારો સાથે આજે પણ ચાલી શકાય છે. બાપુના કદમો પર ચાલીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું શક્ય છે.

માનવતા માટે કુરબાની આપવી એ દેશ અને દેશવાસીઓનો સ્વભાવ છે, એટલે જ વિશ્વના ૭૦ જેટલા દેશોને કોરોના વેક્સીન પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માનવતાના કાર્યમાં ભારત હંમેશા સ્વ નહીં પણ સર્વસ્વ નો વિચાર કરે છે એમ જણાવી દાંડી યાત્રામાં સહભાગી થવાનો અવસર મળ્યો એ બદલ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વેળાએ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ આવકાર પ્રવચન કર્યું હતું. અંતમાં આભારવિધિ પ્રાંત અધિકારી ભગોરાએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, લાયઝન ઓફિસર બેદી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી સર્વ વિઠ્ઠાણી, કલસરીયા, આગેવાન પદાધિકારીઓ, દાંડીયાત્રિકો, ગામના સરપંચશ્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud