• સ્ટેશન રોડથી પાંચબત્તી સુધી પ્રમુખ સહિતે કટ આઉટ પેહરી પેટ્રોલ-ડીઝલ, તેલ અને ગેસના ભાવોનો સાયકલ યાત્રા કાઢી નોંધાવ્યો વિરોધ
  • પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ખેંચતાણ અને રકઝકના દ્રશ્યો સર્જાયા હતા

WatchGujarat. ભરૂચ શહેરમાં આજે જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોંઘવારીના વિરોધમાં સાયકલો લઈ સ્ટેશન રોડથી પાંચબત્તી થઈ કલેકટર કચેરીએ પોહચ્યા હતા. જોકે કોંગી આગેવાનોએ કલેકટરલયમાં સાયકલ લઈને ઘુસવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે ખેંચતાણ અને રકઝક સર્જાઈ હતી. ટીંગટોળીના દ્રશ્યો વચ્ચે પોલીસે આગેવાનોની અટકાયત કરી PCR માં બેસાડી લઈ ગઈ હતી.

દેશમાં મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલ, ખાદ્ય તેલ અને ગેસના વધતા ભાવો સામે વિરોધ નોંધાવવા માટે ગુરૂવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. કેન્દ્ર સરકાર મોંઘવારીને ડામવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સાયકલ ઉપર પ્લે કાર્ડ લગાવી અને શરીરે વિવિધ કટઆઉટ પેહરી મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને આડે હાથે લેવાનો પ્રયાસ કર્યો હતો.

પેટ્રોલ ડીઝલના ભાવોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. રોજે રોજ ભાવમાં વધારો થઈ રહ્યો છે જે હવે 100 રૂપિયાને આંબવાની તૈયારીમાં છે. પેટ્રોલ ડીઝલના ભાવો વધતા તેની અસર તમામ ચીજવસ્તુઓના ભાવો ઉપર થાય છે અને તેના કારણે મોંઘવારીમાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર મોંઘવારીને અંકુશમાં લેવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે જ ગેસ અને તેલના ભાવો પણ વધ્યા હોય ખાલી તેલના ડબ્બાઓ સાયકલ ઉપર લઈ સ્ટેશન પરથી કોંગી આગેવાનો નીકળતા જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી.

સ્ટેશન રોડ તેમજ પાંચબત્તી ખાતે પોલીસે સાયકલ લઈ વિરોધ સાથે સુત્રોચ્ચારો કરી રહેલા કોંગી કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કરતા તેઓએ સાયકલો રસ્તા વચ્ચે જ નાખી ટ્રાફિકજામ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પાંચબત્તી થઈ કોંગ્રેસની મોંઘબારીના વિરોધમાં સાયકલ યાત્રા ભરૂચ કલેકટર કચેરી ખાતે પોહચતા તડાફડી સર્જાઈ હતી. કોંગી આગેવાનોએ સાયકલ સાથે જ કલેકટર કચેરીમાં ઘુસવાનો પ્રયત્ન કરતા પકડદાવના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ કર્મીઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક પણ ઝરી હતી. સાયકલ ઉપર આવેલા આગેવાનો અને કાર્યકરોને પોલીસ ટીંગાટોળી કરી PCR વાનમાં બેસાડી અટક કરી લીધી હતી. સાયકલ યાત્રામાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ વીકી શોખી અને યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, દિનેશ અડવાણી સહિતના આગેવાનો જોડાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud