• જિલ્લા કોંગ્રેસ કાર્યલયથી ઓમકારનાથ હોલ ઉપર આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાતા સેવાસેતુનો વિરોધ કરવા જતા રસ્તામાં જ અટકાયત
  • જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન
  • પોસ્ટરો સાથે કાર્યકરોની રેલી ઉગ્ર સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરતા શાલીમાર પાસે પોલીસ સાથે ચકમક
  • સેવા સેતુ કાર્યક્રમ થકી એક જ સ્થળેથી 57 સેવાઓનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો
  • સરકારના 5 વર્ષની ઉજવણી અને કોંગ્રેસનો વિરોધ બન્ને કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનું પાલન નહિ થયા હોવાના સામ સામે આક્ષેપ

WatchGujarat. રાજ્ય સરકારના 5 વર્ષ ની ઉજવણી હેઠળ 9 દિવસ સુધી આયોજિત કાર્યક્રમના સોમવારે બીજા દિવસે ભરૂચમાં એક તરફ સંવેદના દિવસ ની ઉજવણીના ભાગરૂપે સેવા સેતુ કર્યક્રમ આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યારે જિલ્લા કોંગ્રેસે સંવેદનહીન સરકાર આરોગ્ય બચાવોનો સમાંતર વિરોધ કાર્યકમ પાઠવ્યો હતો.

મુખ્યમંત્રી CM વિજય રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીના રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમ યોજાય રહ્યા છે જેના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું આ દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. સી.એમ.વિજય રૂપાણી અને ડે.સી.એમ.નિતિન પટેલના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા પણ સમાંતર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ અસંવેદનશીલ સરકાર કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સ્થળ પર વિરોધ પ્રદર્શનનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ સ્ટેશન રોડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોસ્ટરો, બેનરો અને સરકારની હાય હાયના સુત્રોચ્ચારો સાથે કોંગી આગેવાનો કાર્યક્રમ સ્થળ પર જવા રવાના થાય એ પૂર્વે જ પોલીસે તેઓની અટકાયત કરી લેતા ખેંચતાણ, ચકમક, ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

કોંગી આગેવાનો અને કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી, આગેવાન સંદીપ માંગરોલા તેમજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યક્રમના કારણે સ્ટેશન રોડ અને પાંચબત્તી ખાતે વાહન ચાલકોએ ચક્કજમનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી, નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં લોકોને સ્થળ પર જ સરકારની વિવિધ 57 યોજના તેમજ આવક જાતિના દાખલા આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.

આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે રૂપાણી સરકાર સંવેદનશીલ છે અને તેના ભાગરૂપે જ આ પ્રકારના કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસ દ્વારા થતાં વિરોધ પ્રદર્શન અંગે પણ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, લોકો સરકારના કામ જુએ છે આથી કોંગ્રેસનો વિરોધ કારણ વગરનો છે. જોકે સરકાર અને વિપક્ષ બન્નેના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોવિડ પ્રોટોકોલ નહિ જળવાતા સામ સામે આક્ષેપો પણ કરાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud