• ભરૂચ જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં ₹ 5 ની નોટો અને 10 ના સિક્કાનો થતો અસ્વીકાર સામે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જારી કરી સૂચના
  • ગુજરાતમાં થોડા વર્ષો પહેલા 10 ના સિક્કાનો અમદાવાદ સહિતના મહાનગરોમાં વેપારીઓ અસ્વીકાર કરતા ભારે વાદ-વિવાદ ઉભો થતા સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી
પ્રતિકાત્મક તસ્વિર

WatchGujarat. ભરૂચ જિલ્લાઓના ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં ₹5 ની નોટો અને 10 ના સિક્કાઓના થતા અસ્વીકાર સામે રાજદ્રોહની કાર્યવાહી થઈ શકેની ટકોર સાથે તેનો સ્વીકાર કરવા તંત્રે સૂચના જારી કરી છે.

ભરૂચ જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં ભારતીય રીઝર્વ બેન્ક RBI દ્વારા બહાર પાડેલા ચલણી નોટ તથા સિક્કા નહિ ચલાવનારાને ટકોર કરાઈ છે. જિલ્લાના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા બહાર પાડેલ ચલણી નોટો તથા સિક્કા ચલાવવામાં આવતા નથી કે સ્વીકારવામાં આવતાં નથી તેવી ફરિયાદો તંત્રના ધ્યાને આવી હતી.

ખાસ કરીને ₹ 5 ની ચલણી નોટ તથા 10 ના સિક્કાઓ ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય કરેલા હોવા છતાં સ્વીકારવાની વેપારીઓ અને લોકો આનાકાની કરતા હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યાં હતાં.

જેને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે જાહેર જનતા જોગ સૂચના જારી કરી છે કે, કોઈપણ ભારતીય નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સહિતાની કલમ 124- એ ( રાજદ્રોહ ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. જેને ધ્યાને લઇ ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ ચલણી નોટો તથા સિક્કા સ્વીકારવા જાહેર જનતાને ટકોર કરાઈ છે.

10 રૂપિયાના સિક્કા અસ્વીકાર કરવાની વેપારીઓ અને રીક્ષા ચાલકો સહિતમાં વાવાઝોડું થોડા વર્ષો પહેલા ગુજરાતમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ તેજગતિએ ફૂંકાયું હતું. 10 ના સિક્કા બંધ થવાની બુમો અને બે સિક્કા ભેગા કરી 10 ના સિક્કા માર્કેટમાં ફરતા હોવાની અનેક અટકળો વચ્ચે વેપારીઓ, રિક્ષાચાલકો, દુકાનદારો 10 સિક્કા લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા લોકો મુસીબતમાં મુકાઈ રહયા હતા.

તે સમયે પણ રાજ્ય સરકારે ફરમાન જારી કરવું પડ્યું હતું કે, 10 ના સિક્કા ચલણમાં જ છે અને રિઝર્વ બેંક દ્વારા તેને બંધ કરવામાં આવ્યા નથી કે ચલણમાંથી પાછા ખેંચાયા નથી. ભારતીય ચલણમાં રહેલા નોટો કે સિક્કાઓનો અસ્વીકાર કરનાર વ્યક્તિ સામે રાજદ્રોહનો ગુનો નોંધાઇ શકે છે.

સરકારની આ સ્પષ્ટતા બાદ અમદાવાદ સહિત મહાનગરો અને રાજ્યમાં 10 ના સિક્કા લેવાનું ચલણ ફરી લોકો અને વેપારીમાં સ્વીકૃત બન્યું હતું. હાલ 10 ની ચલણી નોટો જૂની અને ઓછા પ્રમાણમાં બજારમાં વ્યવહારમાં હોવા સામે 10 ના સિક્કા વધુ હોવાથી તે ફરી રહ્યાં છે.

કેટલાક વેપારીઓને ચિલ્લર અને સિક્કાઓનો ભાર વધુ લાગતો હોવાથી તેઓ જાતે જ તેમની પાસે થતા ભરાવાને લઈ તેનો લોકો પાસેથી સ્વીકાર કરવાની ચોખ્ખી ના પાડી દે છે. જોકે ભારતીય ચલણમાં રહેલા કોઈપણ સિક્કા કે નોટોનો અસ્વીકાર કોઈ ફરિયાદ કરે તો આવા લોકો કે વેપારીને રાજદ્રોહના ગુનાનો ભોગ બનાવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud