• જો 5 દિવસની અંદર સરકારી આદેશો સાથે કાર્યવાહી નહિ કરાઈ તો ખેડૂત સમાજ કાયદા મુજબ કાનૂની કાર્યવાહી
  • ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત ખેડૂત સમાજે બેઠક યોજી, વાગરા, જંબુસર, આમોદ, ભરૂચ અને કરજણ તાલુકાઓમાં પાકમાં વિકૃતિને લઈ ખેડૂતો પાયમાલ
  • BJP સાંસદ, MLA, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બાદ હવે ભરૂચના ખેડૂતોને પ્રદૂષણથી પાકને નુકશાન મામલે ગુજરાત ખેડૂત સમાજ મેદાને

WatchGujarat. ભરૂચ જિલ્લામાં 70,000 હેકટરમાં પ્રદૂષણના કારણે કપાસ સહિતના પાક નષ્ટ થતા 50,000 ખેડૂતોને હેકટર દીઠ ₹1 લાખ ચૂકવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. જો 5 દિવસની અંદર સરકારી આદેશો સાથે કાર્યવાહી નહિ કરાઈ તો ગુજરાત ખેડૂત સમાજ કાયદા મુજબ કાનૂની કાર્યવાહી કરશે તેવી ચમકી ઉચ્ચારી છે.

કોટન કિંગ ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેતી ઉપર રાસાયણિક હુમલાના કારણે કપાસ સહિતનો પાક નષ્ટ થતા 4 તાલુકાના ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યાં છે. ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સોમવારે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, પર્યાવરણ વાદી એમ.એચ.શેખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

ગુજરાત ખેડૂત સમાજે ભરૂચ જિલ્લામાં 70,000 હેકટરમાં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે કૃષિ પાકોને નુકશાન સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી છે. ભરૂચ જિલ્લાના 4 તાલુકા સાથે વડોદરામાં પણ ખેતી અને વૃક્ષોને અસર થઈ છે ત્યારે હાનિકારક રસાયણોનો સ્ત્રોત શોધી કાઢી આવા ઉદ્યોગો બંધ કરવા માંગણી કરાઈ છે.

કૃષિ મંત્રાલય અને રાસાયણિક વૈજ્ઞાનિકોની ટીમને ભરૂચમાં મોકલી તાત્કાલિક તપાસ કરાવવા વડાપ્રધાનને પાઠવેલ પત્રમાં જણાવાયું છે. વાગરા, આમોદ, ભરૂચ, જંબુસર અને કરજણ તાલુકાઓમાં તાત્કાલિક જિલ્લા કલેકટર દ્વારા પાક નુકશાની આકારણી કરાવવાનો સુર વ્યક્ત કરાયો છે. જેમાં ખેડૂતોને વચગાળાના વળતર રૂપે હેકટર દીઠ ₹1 લાખ આપવા પણ માંગ કરી છે. જો 5 દિવસની અંદર સરકારી આદેશો સાથે કાર્યવાહી નહિ કરાઈ તો ખેડૂત સમાજ કાયદા મુજબ કાનૂની કાર્યવાહી કરશે. અગાઉ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે ઔદ્યોગિક હવા પ્રદુષણને લઈ કપાસ સહિતના પાકોમાં વિકૃતિ સાથે વિકાસ અટકી જતા જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું.

ખેડૂતો કપાસના નુકશાની ગ્રસ્ત છોડવા લઈ કલેકટર કચેરીએ પોહચી તપાસ અને વળતર માટે આવેદનપત્ર આપ્યું હતું. બાદમાં બેઠકોના દોર વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રદૂષણથી પાકનો મુદ્દો ઉઠાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખ્યા બાદ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ પોતાના મત વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોને વાચા આપવા આગળ આવ્યા હતા. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ રવિવારે ભરૂચમાં ખેડૂતો સાથે બેઠક યોજી નુકશાનીનો ચિતાર મેળવી રાજ્ય સરકાર પાક નુકશાની અંગે તપાસ કરી વળતર ચૂકવે તે માટે અવાજ ઉઠાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud