• ભરૂચ જિલ્લાના ધરતીપુત્રો માટે મેદાનમાં આવ્યા વાગરા ના ધારાસભ્ય, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં કરી રજૂઆત
  • જીપીસીબી દ્વારા તપાસ કરાવી જવાબદાર ઔધોગિક એકમો સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરાઈ
  • પંથકના લોકો દ્વારા છાશવારે ઉચ્ચ કક્ષાએ સંભવિત વિભાગોમાં પ્રદુષણ અટકાવવા અનેક વખત રજૂઆતો કરવા છતાંય પરિણામ શૂન્ય
  • ખેડૂતો માટે સંવેદના દર્શાવનાર ધારાસભ્ય અરૂણસિંહ રાણા અત્યાર સુધી ક્યાં હતા? : ધરતીપુત્રોનો સવાલ

WatchGujarat. ભરૂચ જિલ્લામાં કૂદકે ને ભૂસકે વધી રહેલા ઉદ્યોગોને કારણે ઝેરી પ્રદુષણથી આસપાસના લોકોની ખેતી અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી રહી છે. સાથે ઔધોગિક એકમો દ્વારા છોડાતાં દુષિત હવા-પાણીના કરાણે ખેડૂતોના પાકને પણ નુકશાન પહોંચી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અંગે પથંકના લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ સંભવિત વિભાગોમાં પ્રદુષણ અટકાવવા અનેખ વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં તંત્ર આંખા કાન કરી રહ્યું છે. જેથી આજે વાગરા વિધાનસભાનાં ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ, જબુંસર તેમજ અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકામાં ખેડૂતો કપાસ, કઠોળ, શાકભાજી તથા બાગાયતી પાકોની મોટાપાયે ખેતી કરે છે. ત્યારે જિલ્લામાં આવેલ અનેક ઉદ્યોગો દ્વારા ઝેરી દવા, રસાયણ અને કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અનેક ખેડૂતોની લાખો હેકટર જમીનમાં રહેલા ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચે છે. સાથે સાથે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ તેની માઠી અસર જોવા મળી રહી છે. જેથી આ અંગે વહેલી તકે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ નુકશાનના કારણે ખેડૂત વર્ગને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો મૂજબ આ અંગે જી.પી.સી.બી.ને અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી જિલ્લાના ખેડૂતોમાં ઉદ્યોગકારો વિરુદ્ધ ભારે રોષની લાગણી જોવા મળી છે. આ અંગે જણાવતા ધારાસભ્ય અરૂણસિંહે જણાવ્યું કે, જો વહેલી તકે આ મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો રોષે ભરાયેલા ખેડૂતો આંદોલનને માર્ગે જશે. જેથી તેમની માંગ છે કે ઔદ્યોગિક એકમો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે. તેમજ પ્રદુષણ ફેલાવનાર કંપનીઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.

આ મામલે ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું ઝેરી રસાયણ તેમજ પ્રદુષિત પાણી અને દૂષિત હવા તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ કરતો પત્ર ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પર્યાવરણ મંત્રી જયદ્રથ સિંહ પરમાર, ભરૂચ જિલ્લા કલેકટર ઉપરાંત પ્રાદેશિક કચેરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પાઠવવામાં આવ્યો છે.

ખેડૂતો માટે સંવેદના દર્શાવનાર ધારાસભ્ય અત્યાર સુધી ક્યાં હતા?

મહત્વનું છે કે ભરૂચ જિલ્લાના અનેક તાલુકામાં ઔદ્યોગિક પ્રદૂષણને પગલે ખેડૂતોની મહામૂલી ખેતી બરબાદ થઈ રહી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મળતી વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માટે આફત બનેલી પ્રદુષણની સમસ્યા બાબતે ભારતીય કિસાન સંઘ સિવાય અન્ય કોઈ સંગઠન મેદાનમાં આવ્યું નથી. ત્યારે અચાનક ધારાસભ્ય અરૂણસિંહ રાણા મદદે આવતાં ખેડૂતોએ સવાલ કર્યો છે કે આટલાં સમયથી ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા હતા….??? આવા અનેક સવાલો ખેડૂત આલમમાંથી ઉઠવા પામ્યા છે. તેમનું કહેવું છે કે મત માટે પૂંછડી પટપટાવતા તકસાધુ નેતાઓ પ્રજાની સમસ્યા ટાણે ગાયબ થઈ જતા હોય છે. ઉપરાંત યોગ્ય તક જોઈ રાજકીય લાભ ખાટવા હરખપદુડા બની જતા હોવાનો શૂર જિલ્લાના ધરતીપુત્રો દ્વારા વ્યક્ત કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud