• એક તરફ પર્યાવરણના જતન, સંવર્ધનની મોટી વાતો બીજી તરફ જળ, જમીન અને હવા પ્રદુષિત કરી પ્રકૃતિની ખોદાતી ઘોર
  • કેમિકલયુક્ત વહેતા પાણી અંગે GPCB ને જાણ કરાતા સેમ્પલો લેવાયા

WatchGujarat. વિશ્વ પર્યાવરણ દિવસની એક તરફ ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓ, ઉદ્યોગો દ્વારા વૃક્ષો વાવી ઉજવણી થઈ રહી હતી ત્યાં બીજી તરફ જળ પ્રદુષણની ગંભીર ઘટના સામે આવી હતી.

અંકલેશ્વરમાંથી વહેતી અમરાવતી ખાડીમાં શનિવારે મધરાતે વરસેલા વરસાદનો લાભ ઉઠાવી કેટલાક બેજવાબદાર અને તકસાધુ ઉધોગોએ પોતાનું કેમિકલ યુક્ત પાણી ઠાલવી દીધું હોવાની બુમો ઉઠી હતી. બીજી તરફ પ્રકૃતિ સુરક્ષા મંડળે આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજુઆત કરતા GPCB દોડી આવી સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.

અમરાવતી ખાડીમાં પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભૂતકાળ માં પણ આ અમરાવતી ખાડી પ્રદુષિત થઈ હતી અને અસંખ્ય જળચર મોતને ભેટ્યા હતા.

પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વર GIDC પાછળ આવેલા C પંપિંગ સ્ટેશનના પાળા ઉભરાઈ જવાથી આ લાલરંગનું કેમિકલયુક્ત પાણી અમરાવતી ખાડીમાં ફરી વળ્યું હતું. જેના કારણે જળ પ્રદુષણ થવાની અને જળચરોને ખતરાની દહેશત વ્યક્ત કરાઈ હતી.

જોકે પર્યાવરણ દિવસે જ અમરાવતી ખાડી નજીક વૃક્ષા રોપણના આયોજિત કાર્યક્રમ વેળા રોપા માટે ખાડીમાંથી પાણી લેવા જતા આ ઘટના બહાર આવી હોવાની રજૂ કરાયેલી કેફિયત અંગે પણ અનકે સવાલો ઉભા થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud