• ભરૂચના નર્મદા કિનારે રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ખાતે સતત બળી રહેલી ચીતાઓ.

Watch Gujarat. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં 1000થી વધુ મૃતકોના અગ્નિ સંસ્કારના સાક્ષી બનેલાં ધર્મેશ સોલંકીએ કોરોના ગ્રસિત પિતાની ચીતાને અગ્નિદાહ આપવો પડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ ખાતે નર્મદા કિનારે શરૂ કરાયેલા કોવિડ સ્મશાનમાં હાલ સતત ચીતાઓ બળતી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ, સરકાર બધું નિયંત્રણમાં હોવાનો ખોટો વ્હેમ પાળી રહી છે.

સરકારી ચોપડે કોરોના મૃતકોની સંખ્યા પર નિયંત્રણ ભલે જોવા મળતું હોય, પરંતુ વાસ્તવિકતા ખૂબ જ ભયંકર સ્વરૂપધારણ કરી રહી છે. કોરોના મહામારી મોટી સંખ્યામાં લોકોનાં જીવ લઈ રહી છે. રાજ્યભરના સ્મશાનોમાં ચીતાની આગની જ્વાળાઓ આ વાતની પુષ્ટી કરે છે. પરંતુ, ગાંધીનગરથી માંડી દિલ્હી સુધીના સત્તાધારીઓ પાસે આ મહામારીને અટકાવવા માટે કોઈ નક્કર આયોજન હોય તેમ જણાતું નથી.

હાલ ભરૂચ સ્થિત કોવિડ સ્મશાનમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી એમ્બ્યુલન્સ મૃતદેહ લઈને અવર જવર કરતી જોવા મળી રહી છે. ગમે તે સમયે સ્મશાનમાં જાવ તો 10 – 15 ચીતાઓ પર અગ્નિ ભભૂકતો જોવા મળી રહ્યો છે. ચીતામાંથી ઉઠતી અગ્નિ જ્વાળાઓ અને ધુમાડો રાજ્યમાં કોરોના પરિસ્થિતિ કેટલી ભયાવહ છે એનો ચીતાર આપી રહી છે.

કોવિડ સ્મશાનનું સંચાલન કરતાં ધર્મેશ સોલંકી અત્યાર સુધીમાં 1000થી વધુ કોરોના પોઝિટીવ મૃતકોના અંતિમ સંસ્કારના સાક્ષી રહ્યાં છે. એમાંય છેલ્લાં કેટલાંક પખવાડિયાથી સ્મશાનમાં મૃતકોની સંખ્યામાં ભારે વધારો નોંધાતા તેઓને સતત ફરજ બજાવવી પડી રહી છે.

કોરોના પોઝિટીવ મૃતકોના અંતિમ સંસ્કારમાં વ્યસ્ત ધર્મેશ સોલંકીના પિતા કોરોના પોઝિટીવ આવ્યા હતાં. અને તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જોકે, ફરજના કારણે ધર્મેશ સોલંકી પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શક્યા નહીં. અને આખરે આજરોજ કોરોનાને કારણે તેમના પિતાનું દુઃખદ અવસાન થયું હતું.

ભરૂચમાં કોરોના પોઝિટીવ દર્દીઓના મૃત્યુઆંકને ચીતા પર બળતો પ્રત્યક્ષ નિહાળનાર ધર્મેશ સોલંકીની લોકોને અપીલ છે કે, કોરોના કાળમાં સ્વજન ગુમાવવું ના હોય તો, ઘરમાં રહો – સુરક્ષિત રહો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud