• બિટીપી એઆઈએમઆઈએમ આંધળા બહેરાનું ગઠબંધન, આવનારી વિધાનસભામાં છોટુભાઈ વસાવાનું અસ્તિત્વ નહિ રહે: સી.આર.પાટીલ
  • નર્મદામાં પહેલા ચકલું પણ ફરકતું ન્હોતું પણ SOU બન્યા બાદ રોજના 1 લાખ લોકો આવી રહ્યા છે: સી.આર.પાટીલ
  • નર્મદા જિલ્લાની તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ બિટીપી આવશે તો સરકારની કરોડોની ગ્રાન્ટ ચાંઉ થઈ જશે. – પાટીલ

WatchGujarat. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ રાજપીપળા શહેરના રાજમાર્ગો પર જંગી રેલી કાઢી રોડ શો કર્યો હતો. રાજપીપળાના ઝીન કંપાઉન્ડમાં સી.આર.પાટીલ નિયત સમય કરતાં લગભગ 2 કલાક મોડા પહોંચ્યા હતા. સ્વાગત બાદ સી.આર.પાટીલે જંગી મેદનીને સંબોધનની શરૂઆત કરી હતી. લગભગ 3:30 વાગ્યાથી પ્રદેશ અધ્યક્ષની રાહ જોઈ બેસી રહેલા લોકોએ સી.આર.પાટીલના ચાલુ સંબોધનમાં જ અધવચ્ચેથી ચાલતી પકડી હતી. લોકોને જતા જોઈ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે એમ કેહવું પડ્યું હતું કે, સભા પુરી ન થાય ત્યાં સુધી કોઈએ જવું નહિ.

બિટીપી એઆઈએમઆઈએમ ના ગઠબંધન મુદ્દે અને અસદુદ્દીન ઓવૈશીએ ગુજરાતમાં જાહેરસભા સંબોધી હતી. એ મુદ્દે સી.આર.પાટીલે જણાવ્યું કે, એ આંધળા બેહરાનું ગઠબંધન છે. ગુજરાત કોઈ બોડી બામણીનું ખેતર નથી કે ગમે તેવો વ્યક્તિ અહીંયા આવી જાય. હૈદ્રાબાદમાં આગામી સમયમાં ભાજપનો મેયર હશે અને અસદુદ્દીન ઓવૈશી રઘવાયા થઈ ઘર ભેગો થઈ જશે. કોંગ્રેસ બિટીપીએ વર્ષોથી આદિવાસીઓનું શોષણ કર્યું છે. જેથી લોકોના મનમાં છેતરાયાનો ભાવ છે. હવે એ દુષણ હટાવવાનો સમય આવી ગયો છે.

છોટુભાઈ ઘણું થયું હવે બીજાને પણ ચાન્સ આપો. આવનારી વિધાનસભામાં છોટુભાઈ વસાવાનું અસ્તિત્વ નહિ રહે. ભાજપનો છેડો પકડશો તો નર્મદા-ભરૂચનું ભલું થશે. આદિવાસી વિસ્તારનો પણ વિકાસ થશે. પહેલા નર્મદા જિલ્લામાં ચકલું પણ ફરકતું ન હતું. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંયા રોજના 1 લાખ લોકો આવી રહ્યા છે. જો નર્મદા જિલ્લાની તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ બિટીપી આવશે તો સરકારની કરોડોની ગ્રાન્ટ ચાંઉ થઈ જશે.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રામ મંદિર મુદ્દે કોંગ્રેસ એમ કહી હસતી હતી. કે મંદિર વહી બનાયેંગે પર તારીખ નહિ બતાયેંગે, પણ જ્યાં રામનો જન્મ થયો ત્યાં જ ભાજપે રામ મંદિર બનાવ્યું રામ મંદિર ક્યારે પૂર્ણ થશે, એની તારીખ પણ અમે જણાવીશું. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35(A) નરેન્દ્ર મોદીએ હટાવી ત્યારે એમ લાગતું હતું કે ત્યાં રમખાણ થશે લોહી વહશે, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેને લીધે એવી કોઈ ઘટના ઘટી નથી. કોંગ્રેસના સમયમાં ગુંડાઓનું ગુજરાત તરીકે ઓળખાતું હતું. પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહને લીધે આજે મહાત્મા ગાંધી, વિક્રમ સારાભાઈના ગુજરાત તરીકે ઓળખ મળી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud