• રાજપીપળા પાલિકામાં એક જ પરિવારની ત્રીજી પેઢીએ પ્રમુખ પદે ઈતિહાસ સર્જ્યો
  • પાલિકાનું શાસન યુવાઓના હાથમાં, ઉપપ્રમુખ હેમંત માછી, કારોબારી ચેરમેન સપના વસાવા, પક્ષના નેતા વિરેન્દ્રસિંહ ગોહિલ, દંડક કાજલ પટેલ

WatchGujarat. આદિવાસી નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહેરાયા બાદ રાજપીપળા પાલિકામાં ભાજપને 16 બેઠકો મળી હતી. રાજપીપળા પાલિકાના ઇતિહાસમાં કોઈ પણ રાજકીય પક્ષને બહુમતી મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે. અત્યાર સુધી પાલીકામાં કોઇ એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી.

રાજપીપળા પાલિકામાં આ વખતે સૌથી વધુ યુવા ઉમેદવારો ચૂંટાયા છે. પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત અન્ય મલાઈદાર હોદ્દાઓ મેળવવા લોબિંગ ચલાવ્યું હતું. સાથે સાથે ગોડફાધરોના શરણે પણ ભાજપના જીતેલા ઉમેદવારો પહોંચ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિલ રાવે રાજપીપળા પાલિકાના પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષની મુદત કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે હેમંત માછીની બિનહરીફ વરણી થઈ હતી.

રાજપીપળા પ્રાંત અધિકારી કે.ડી.ભગતના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે મંગળવારે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ચૂંટાયેલા 28 સભ્યો માંથી 5 સભ્યો પૈકી નિલેશસિંહ આટોદરિયા, મીનાક્ષી બેન આટોદરિયા, ઈશમાઈલ ઉષ્માનગની મન્સુરી, સાબેરાબેન, સુરેશભાઈ માધુભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા. સભામાં રાજપીપળા પાલિકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ પદ માટે હેમંત નાગજીભાઈ માછી, કારોબારી ચેરમેન સપનાબેન વસાવા, પક્ષના નેતા વિરેન્દ્રસિંહ ગોહિલ અને દંડક તરીકે કાજલ પટેલની બિનહરીફ વરણી થઈ હતી.

કુલદીપસિંહ ગોહિલ 27 વર્ષની નાની ઉંમરે રાજપીપળા પાલિકા પ્રમુખ બન્યા છે તો તેઓને આખા ગુજરાત રાજ્યની નગરપાલિકામાં સૌથી નાની વયના પ્રમુખ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. કુલદીપસિંહ ગોહિલના દાદા ડો.જે.સી.ગોહિલ વર્ષ 1996 માં એક વાર જ્યારે એમના પિતા સ્વ.અલકેશસિંહ ગોહિલ વર્ષ 2000, 2002 અને 2015 એમ 3 વાર રાજપીપળા પાલિકા પ્રમુખ બન્યા હતા. દાદા, પિતા બાદ પૌત્ર રાજપીપળા પાલિકા પ્રમુખ બનતા એક જ પરિવારની 3 પેઢીએ પાલિકા પ્રમુખ પદ શોભાવ્યું હોવાનો અનોખો ઈતિહાસ પણ સર્જાયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud