• આગામી 2 વર્ષ માટે ખૂટે નહિ એટલો વિપુલ જળસંગ્રહ
  • હાલ ડેમની સપાટી 138.58 મીટરે શિખર સર કરવાથી માત્ર 10 સેમી દૂર

કેવડીયા.ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરવાની સમીપે આવી ગયો છે. આ સિઝનમાં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138.68 મીટરે પહોંચી સર્વોચ્ચ સપાટી ને સર કરશે.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરવાની છલોછલ પહોંચતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે. આ સીઝનમાં પ્રથમવાર નર્મદા બંધ મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. હાલ ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.

રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નહિ રહે
સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના 30 દરવાજા ખોલાઈ શકે છે. નર્મદા ડેમ છલોછલ ભરાતા ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નહિ રહે.

ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 99630 ક્યુસેક છે પાણીની જાવક 3454 ક્યુસેક છે. રિવર બેડ પાવર ના 6 યુનિટ સતત ચાલતા 34,766 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. જળાશયમાં પાણીનો જથ્થો 5534 મિલીયન ક્યુબીક મીટર છે.

મુખ્ય કેનાલમાં 13500 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5534 મિલીયન ક્યુબીક મીટર થયો છે. જે જોતા ચોક્કસ કહી શકાય કે આવનારા 2 વર્ષ માટે આ નર્મદા બંધ માંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત છે.

નર્મદા બંધને મા રેવાના નીરથી છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે 70માં જન્મદિવસની ભેટ અપાશે. નર્મદા બંધ હાલમાં 99.99 ટકા ભરાઈ ગયો છે.

પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 70 માં જન્મદિવસ 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ ડેમ લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરવામાં આવશે.

નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.આગામી 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ સંપૂર્ણ ભરી પીએમ મોદીને ગુજરાત સરકાર જન્મદિવસની અનોખી ભેટ આપશે. ગુરુવારે CM વિજય રૂપાણી ગાંધીનગર ખાતે પોતાની ઓફિસ માંથી ઓન લાઈન અન્ય મંત્રીઓની હાજરીમાં નર્મદા નીરના વધામણાં કરી પૂજા અર્ચના કરશે.

બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવી નર્મદા નિરના વધામણાં કરી પૂજા અર્ચના કરે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud