• સાંજે 5.15 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળતા લાશ્કરો દોડ્યા
  • ડ્રાઈવરે સિફટાઈથી આગ વચ્ચે ટ્રક ને બ્રિજ માંથી બહાર કાઢી ભરૂચ તરફના છેડે ઉભી રાખી
  • પૂઠ્ઠા બળી ને ખાખ , ટેમ્પને ઝાઝું નુકશાન નહિ, ટોલ પ્લાઝા પહેલા બીડી કે સિગારેટનું ઠુઠું પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

WatchGujarat. ભરૂચના કેબલ બ્રિજ માંથી પસાર થતા ટેમ્પમાં પાછળ રહેલા પૂઠ્ઠાઓમાં આગ ભભૂકી ઉઠતા બ્રિજમાં બર્નિંગ ટેમ્પાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ટેમ્પા ચાલકે આગ વચ્ચે સલામત રીતે બ્રિજમાંથી ટેમ્પો પસાર કરી ભરૂચના છેડા પર ઉભો કરી દીધો હતો. ફાયર ફાઇટરો ને જાણ કરવા સાથે ઘટનાને પગલે કેબલબ્રિજને 1 કલાક માટે બંધ કરી દેવાતા 2 થી 3 કિમી લાંબી વાહનોની કતારો જામી હતી.

ભરૂચ ને.હા. નંબર 48 ઉપર નર્મદા નદી પર આવેલા કેબલબ્રિજ પરથી પસાર થઈ રહેલા ટેમ્પાના પાછળના ભાગે અચાનક ધુમાડા સાથે આગ દેખાતા પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ટેમ્પા ચાલકે કુનેહપૂર્વક ધીમેધીમે ટેમ્પો ચલાવી સમગ્ર કેબલબ્રિજ પસાર કરી ભરૂચ તરફના છેડે સળગતો ટેમ્પો ઉભો કરી દીધો હતો.

ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ બ્રિજ ઉપર દોડી આવી તુરંત ભરૂચ ફાયર બ્રિગેડને કોલ કરાયો હતો. બ્રિજને કોર્ડન કરી સલામતી માટે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. બીજી તરફ સાંજે 5.15 કલાકના અરસામાં ફાયરને કોલ મળતા તેઓ કેબલબ્રિજ ઉપર રવાના થયા હતા. 15 મિનિટની અંદર કેબલ બ્રિજ આગળ પહોંચી ફાયર ફાઈટરો એ ટેમ્પાના પાછળ ના ભાગે સળગતા પૂઠ્ઠા ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો. ગણતરીના સમયમાં આગને બુઝાવી દેવામાં આવી હતી. જોકે તમામ પૂઠ્ઠા બળી ને ખાખ થઈ જવા સાથે ટેમ્પને પણ આગથી થોડું નુકશાન પહોંચ્યું હતું.

બીજી તરફ કેબલ બ્રિજ બંધ કરાતા વાહનોની કતારો જોતજોતામાં ટોલ પ્લાઝા વટાવી 2 થી 3 કિમી સુધી પહોંચી ગઈ હતી. આગ લાગવા પાછળ મુલડ ટોલ પહેલા ટેમ્પા માં રહેલા પુથ્થા માં કોઈએ સળગતું બીડી કે સિગારેટનું ઠુઠું નાખ્યું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. છેલ્લા 3 દિવસથી ભરૂચ થી અંકલેશ્વર તરફ નવા સરદારબ્રિજની કામગીરી ને કારણે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે ત્યારે આજે અંકલેશ્વરથી ભરૂચ તરફ કેબલબ્રિજ ઉપર બર્નિંગ ટેમ્પાના કારણે બ્રિજ બંધ કરાતા ચક્કાજામ થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud