- આમીરખાન ચાર્ટર્ડ પ્લેન દ્વારા સહપરિવાર સાથે પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા.
- મોટી સંખ્યામાં લોકોના ટોળા આમીરની એક ઝલક નિહાળવા ઉમટી પડ્યા હતા.
WatchGujarat હાલ Christmas ની રજાઓ ચાલી રહી છે. ત્યારે બોલીવૂડ સુપરસ્ટાર આમીરખાને આ રજાઓ ગુજરાતમાં પસાર કરવાનો પ્લાન કર્યો હોય તેમ તેઓ સહપરિવાર સાસણ સિંહ દર્શને આવી પહોંચ્યા છે. આજે બપોરે તેઓ ચાર્ટર્ડ પ્લેન દ્વારા સહપરિવાર સાથે પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા આમીરની એક ઝલક નિહાળવા ઉમટી પડ્યા હતા.
આગામી 28 ડિસેમ્બરે આમીરખાનની લગ્નની વર્ષગાંઠ છે. ત્યારે તેઓ એનિવર્સરી ઉજવવા માટે સાસણ જઇ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોરબંદર એરપોર્ટ પરથી આમિર ખાન અને તેનો પરિવાર 5 કાર અને 1 બસ મારફતે ગીર જવા માટે રવાના થયો છે. આમીરખાન સાસણના વૂડ રિસોર્ટ ખાતે રોકાણ કરી આવતીકાલે રવિવારે સિંહદર્શન માટે જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, આમીરખાન અગાઉ તેની સુપરડુપર હિટ ફિલ્મ લગાનનું શુટીંગ કચ્છમાં કરી ચુકયો છે. અને ઘણા દિવસો સુધી ત્યાં રોકાણ પણ કર્યુ હતું. એટલું જ નહીં એક ગામ દત્તક પણ લીધું છે. ત્યારે ફરી એકવાર આમીર પરિવાર સાથે ગુજરાતમાં આવતા ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમીર આવનારા 3 દિવસ ગીરના જંગલમાં પરિવાર સાથે પસાર કરશે. આ દરમિયાન સાસણમાં જંગલ સફારીની પણ મુલાકાત લેવાના હોવાનું જાણવા મળ્યું છે.