• જિલ્લામાં બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા
  • ભારે વરસાદના પગલે હેરણ અને ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા
  • ધોધમાર વરસાદના કારણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

WatchGujarat. રાજ્યના ઘણા જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ આજે મેઘમહેર થઈ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. સતત વરસાદ વરસતા નગરના  નીચાણવાળા વિસ્તારોમાં મંગળબજાર, જિલ્લાના ઉંચ્ચ અધિકારીઓના નિવસ્થાન  પંચવટી બંગલો, શ્રીજી સોસાયટી ઓલ્ડ પેલેસ કંપાઉન્ડ જેવા સ્થાળોમાં પાણી ભરાયા હતા. મળતી વિગતો મુજબ જિલ્લામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વધુ વરસાદ થતાં હેરણ અને ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં આજે વેહલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વેપાર ધંધા ઉપર માઠી અસર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસમાં ભારે વરસાદ વરસતા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું. વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાતા જન જીવન ખોરવાયું હતું. જિલ્લાના કેટલાંક રસ્તાઓ તથા શોપિંગ સેન્ટરોમાં ઘણી દુકાનો પણ બંધ રહી હતી. તેમજ ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર પણ ઓછો જોવા મળ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ રેલવે ગરનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોધમાર વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનો રાજવાસણા ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે નસવાડી ડુંગર વિસ્તારમાંથી આવતી નસવાડી તાલુકાની અશ્વિની અને મેણ નદી, કવાંટ  તાલુકાની  કરા, ટોકરવા, ધામણી અને દુદવાલ અને બોડેલીની હેરણ નદીઓ તોફાની બની છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ બં કાંઠે વહી હતી. જોકે બપોર પછી વરસાદનું જોર ઘટ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના આજના વરસાદી આંકડા

છોટાઉદેપુર તાલુકામાં 155 મીમી

પાવીજેતપુર તાલુકામાં 73 મીમી

સંખેડા તાલુકામાં 35 મીમી

નસવાડી તાલુકામાં 31 મીમી

બોડેલી તાલુકામાં 105 મીમી

કવાંટ તાલુકામાં 149 મીમી વરસાદ નોંધાયો હતો.

બપોરના 4 વાગ્યા પછી વરસાદનું જોર ઘટ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud