• સમગ્ર રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચુંટણીમાં સંભવિત પ્રથમ વખત ઈવીએમ કેપ્ચરીંગનો પ્રયાસ ઝાલોદમાં નોંધાયો
  • ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું ત્રણ પૈકી એકની ઘરપકડ કરાઇ
  • હિંસા સામે આવતા જ મતદાન અટકાવી દેવાયું

WatchGujarat. રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચુંટણીઓ એકંદરે શાંતિપુર્વક પાર પડી હતી. પરંતુ વહીવટી તંત્રના તમામ પ્રયાસો છત્તા ઝાલોદ તાલુકામાં પંચાતની ચુંટણીમાં આખરી સમયે બુથ કેપ્ચરીંગના પ્રયાસની એક ઘટના સામે આવી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને જવાબદારોની ઘરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીના મતદાન બૂથ કેપ્ચરિંગ ની એક ઘટનાને તથા એજન્ટને માર માર્યાની ઘટના ને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કેન્દ્રમાં સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. અને બપોરના બે વાગ્યા સુધી શાંતિથી મતદાન થતું રહ્યું હતું.

બપોર બાદ ત્રણ જેટલા વ્યક્તિઓ મતદાન કેન્દ્રમાં મતદાન કરવાના બહાને આવ્યા હતા અને આવતાની સાથે જ મત કેન્દ્રમાં ફરજ પરના અધિકારીઓ ઉપર ઓચિંતો હુમલો કરી હતી. એટલું જ નહિ મત કેન્દ્ર માં મુકેલી ટેબલ ખુરશી મત કુટીર તેમજ મત કુટીરમાં મુકેલ જિલ્લા તથા તાલુકા પંચાયત માટેના ૨ ઇવીએમ મશીનની તોડફોડ કરી બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કરી નાસી ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં જ ત્રણ પૈકી એક વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી દીધી હતી. ઝાલોદ પ્રાંત અધિકારીએ મિડીયા સાથેની ટેલીફોનીક વાત કરતા ઉપરોક્ત હકીકત જણાવી હતી. સાથે પ્રાંત અધિકારીએ ઉમેર્યું હતું કે, બુથ નું મતદાન તે સમયથી જ અટકાવી દેવામાં આવ્યું હતું જે સાંજે સમય પૂરો થયો ત્યાં સુધી બંધ રહ્યું હતું જ્યારે ઝાલોદ તાલુકાના બલેન્ડિયા ગામે એજન્ટને માર માર્યાની ઘટના પણ પ્રકાશમાં આવી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud