• હાલ પાકિસ્તાનની જેલોમાં 558 ભારતીય માછીમારો કેદ છે. જેને લઈને તેઓના પરિવારો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. – નેશનલ ફિશ વર્કર ફોરમનાં સેક્રેટરી ઉસ્માનગની
  • દિવ, જૂનાગઢ સહિત અનેક જગ્યાએ નેતાઓ-અધિકારીને રજુઆત કરી – માછીમારની પત્ની
  • સરકારે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા ત્વરિત કાર્યવાહી કરવા માંગ

WatchGujarat. આજરોજ રાજકોટ શહેરનાં લીમડા ચોક ખાતે જુદી જુદી માછીમાર સંસ્થાઓ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનની જેલોમાં બંદી બનાવાયેલા માછીમારોને છોડવવા માંગ કરવામાં આવી હતી. બંદી માછીમારોની પત્નીઓ પણ આ તકે હાજર રહી હતી. અને 15 ઓગષ્ટે પોતાના પતિઓને આઝાદ કરાવવા સરકારને અપીલ કરી હતી.

માછીમારોની પત્નીઓએ તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ 6 મહિનાથી એકાદ વર્ષમાં પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાતા હતા. પરંતુ 2-4 વર્ષ થયાં છતાં અમારા પતિઓને મુક્ત કરવામાં આવ્યા નથી. આ મામલે અનેક નેતાઓ તેમજ અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. એકતરફ નાના બાળકો અને બીજીતરફ પતિઓ પાકિસ્તાન જેલમાં હોવાથી ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓએ આ મુદ્દે દિવ, જૂનાગઢ સહિત અનેક જગ્યાએ નેતાઓ-અધિકારીને રજુઆત કરી હતી. જો કે આ રજૂઆતોનાં મહિનાઓ બાદ પણ કોઈ ચોક્કસ પગલાં પણ લેવામાં આવ્યા નથી. અગાઉ અનેક મોટા-મોટા નેતાઓને પણ આ અંગે રજુઆત કરી થાકી ગયા બાદ હવે અમને માત્ર પ્રધાનમંત્રી મોદી સાહેબ પર જ આશા અને અપેક્ષા છે. અને 15 ઓગસ્ટના રોજ તેઓ અમારા પતિને આઝાદ કરાવે તેવી માંગ પણ માછીમાર બહેનોએ કરી હતી.

આ પત્રકાર પરિષદમાં નેશનલ ફિશ વર્કર ફોરમનાં સેક્રેટરી ઉસ્માનગનીએ કહ્યું હતું કે, હાલ પાકિસ્તાનની જેલોમાં 558 ભારતીય માછીમારો કેદ છે. જેને લઈને તેઓના પરિવારો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સામાન્ય રીતે 15 ઓગષ્ટે ભારત-પાકિસ્તાન સામસામે એકબીજાના માછીમારો મુક્ત કરતા હોય છે. પરંતુ કોરોનાકાળને કારણે લાંબા સમયથી આ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ શકી નથી. ત્યારે સરકારે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud