• દાંતા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ માણેકનાથ ગુફા પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત.
  • ચોમાસામાં કુદરતી સૌંદર્યને નિહાળવા દૂર-દૂરથી લોકો ઉમટી પડે છે.
  • અમદાવાદના માણેકચોક સાથે સંકળાયેલ લોટોલ – માણેકનાથનો ભવ્ય ઈતિહાસ.

બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાનાં દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વિશાળ ડુંગર પર આવેલી માણેકનાથ ગુફા 600 વર્ષનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. ચોમાસામાં અહીનું પ્રાકૃતિક સૌંદર્ય અત્યંત રમણીય થઈ જતું હોય છે. હાલ રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહીં ઉમટી પડે છે.

લોટોલ-માણેકનાથ સ્થળનો ઈતિહાસ ૬૦૦ વર્ષ પુરાણો અને ભવ્ય છે. આજુ બાજુના ગામોના લોકો બાધા કરવા એટલે કે બાળકોની બાબરી ઉતારવા (ચૌલકર્મ) માટે અહીં આવતા હોય છે.

લોકવાયકા પ્રમાણે ઘણા વર્ષો પહેલાં માણેકનાથ નામના પૂજ્ય સંત મહાત્માએ આ વિસ્તારમાં ખૂબ તપ કર્યું હતું. તેથી આ જગ્યાનુ નામ માણેકનાથ તરીકે પ્રસિધ્ધ છે. અન્ય દંતકથા પ્રમાણે અમદાવાદના માણેકચોક સાથે આ સ્થળનો ઈતિહાસ સંકળાયેલો છે. ઈ.સ. ૧૪૧૧ માં અમદાવાદના બાદશાહ અમદાવાદ ફરતે કોટ ચણાવતા હતા ત્યારે માણેકનાથ બાબા દિવસે ગોદડી સિવતા હતા અને રાત્રે તે ગોદડીના ટાંકા તોડી નાખતા હતાં ત્યારે ચણતર થયેલો કોટ પણ તુટી જતો હતો. બાદશાહે આ ચમત્કાર રૂબરૂ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આથી માણેકનાથે પાણીની ઝારી મંગાવી હતી અને માણેકનાથે પોતાના સ્થળ દેહને સુક્ષ્મદેહ બનાવી પાણીની ઝારીમાં સમાવી લીધો હતો. તે પછી બાદશાહે ઝારીના તમામ છિદ્રો બંધ કરાવી દીધાં હતા. પાણીની ઝારીમાં પુરાયેલા માણેકનાથને બાદશાહે પોતાની ઈચ્છા જણાવવાનું કહેતાં તેઓએ તે સ્થળે પોતાનું સ્મારક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે અનુસાર માણેકનાથના નામ ઉપરથી અમદાવાદ ખાતે માણેકચોક નામ અપાયુ હતુ. ત્યાં માણેકનાથનું મંદિર પણ બનાવેલુ છે.

ઝારીમાં પુરાયેલા માણેકનાથે ચમત્કાર સર્જી માણેકચોકથી ભૂગર્ભમાં ભોયરાની રચના કરી હતી. કહેવાય છે કે આ ભોયરૂ માણેકચોકથી દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર સુધી બનાવાયું હતુ. અત્યારે પણ આ જગ્યા માણેકનાથ ગુફા તરીકે પ્રસિધ્ધ છે. વિશાળ અને રમણીય ડુંગર પર આવેલ માણેકનાથ ગુફા નિહાળવા લોકો આવતા રહે છે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માણેકનાથ ગુફા સુધીનો પાકો રસ્તો અને વિજળીની સુવિધા કરાવાઈ છે. સરકારની સહાય અને દાતાઓના સહયોગથી લોટોલ – માણેકનાથ સ્થળ સુવિધાસજ્જ બન્યું છે. આ સુંદર સ્થળ દાંતાથી ૩૨ કિ. મી. ખેડબ્રહ્મા- અંબાજી રોડ ઉપર આવેલ હડાદથી ૨૦ કિ.મી. ના અંતરે આવેલુ છે ત્યાં જવા માટે પાકા રસ્તા અને બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud