• 30 અને 31 ડિસેમ્બરના રોજ પોલીસનું કડક ચેકિંગ અને રાત્રી કર્ફ્યૂ વચ્ચે મેઘાણીનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ
  • મેઘાણીનગર એરકાર્ગો પાસે બાઇક પર આવેલા શખ્સોએ સોનાનાં 27 પાર્સલની લૂંટ કરી નાસી ગયા
  • નાઈટ કર્ફ્યૂ અને પોલીસ-ચેકિંગ પર સવાલ ઊભા થયા

WatchGujarat શહેરમાં 31st Decemberની રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો અને રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે પણ શહેર પોલીસ તમામ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. તેમ છતાંય પોલીસને ચકમો આપી 1.78 કરોડની લૂંટ થયાનો બનાવ સામે આવ્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો પાસે ત્રણ શખ્સોએ બે કુરિયરવાળાને માર મારી રૂ, 1.78 કરોડના સોનાનાં 27 પાર્સલ લૂંટી લીધાં હોવાની ઘટના સામે આવી છે. પોલીસના બંદોબસ્ત હોવા છતાં લૂંટની ઘટના થતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, શહેરના સરદારનગરમાં રહેતા વિદ્યાધર શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ રાજકોટ ખાતે રહેતા પાર્ટનર સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લાં બે વર્ષથી જય માતાજી લોજિસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપની ધરાવી વેપાર કરે છે. તેમની કંપની સોના-ચાંદીના વેપારીઓનાં પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. રાજકોટવાળી કંપનીનાં પાર્સલો આવે તે અને અમદાવાદની કંપનીનાં પાર્સલો આવે તે ભેગાં કરી એરકાર્ગો ખાતે લાવવામાં આવે છે અને જે-તે જગ્યાએ પાર્સલો મોકલવામાં આવે છે. તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે. ગત 30મીએ અને 31મીએ આવેલા લાખો રૂપિયાનાં પાર્સલ લઈ તેમનો એક માણસ આવ્યો હતો.

આ પાર્સલ તેમણે દિલ્હી મોકલવાનાં હોવાથી વર્ષની છેલ્લી રાતે 3 વાગ્યે તેઓ કાર્ગો તરફ જતા હતા. ત્યારે કાર્ગો ગેટથી થોડે જ દૂર ત્રણ શખ્સો બાઇક પર આવ્યા અને વિદ્યાધરભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટ કરનાર બાઇક લઈને એરકાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા. અર્ધ બે ભાન હાલતમાં વિદ્યાધરભાઈ અને તેનો સાથી રોડ ઉપર પડ્યા હતા. ત્યારે ત્યાંથી કાર્ગોની પસાર થયેલી એક કારે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. એક પાર્સલમાં 34 લાખના દાગીના 13 પાર્સલ હતા, જ્યારે અન્ય બેગમાં 9 અને 5 પાર્સલ હતાં. આમ, કુલ 1.78 કરોડના દાગીનાનાં 27 પાર્સલની ત્રણેક શખ્સોએ લૂંટ ચલાવી હતી.

શહેરમાં રૂ. 1.78 કરોડના સોનાનાં પાર્સલનો લૂંટ થતાં રાત્રી કર્ફ્યૂ અને પોલીસ ચેકિંગ પર સવાલ ઊભા થયા છે. રાતે દરેક જગ્યાએ પોલીસ ચેકિંગ કરતી હોય છે. 30મી અને 31 ડિસેમ્બરના રોજ કડક ચેકિંગના આદેશ છતાં કઈ રીતે લૂંટ થઈ તે જોવાનું રહ્યું. આ ઉપરાંત મેઘાણીનગર પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. હાલ મેઘાણીનગર પોલીસે ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud