• રાજ્યમાં અત્યાર સુધી 13 સ્થળોએથી ઉઘરાવ્યાં ₹5.09 લાખ
 • ભરૂચ સાંસદ MP મનસુખ વસાવાના નામે ઔદ્યોગિક એકમોમાં ફોન કરી ફંડ-ફાળો માંગતો અમદાવાદના નિકોલ ગામનો રીતેશ ઉર્ફે સર્કિટ જોષી
 • નેતાઓના નામનો ઉપયોગ કરી વર્ષોથી મંદિર નિર્માણ માટે ઊઘરાનું કરતો હિસ્ટ્રીશીટર દમણ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા બાદ ભરૂચમાં ખેલ ખેલવા જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
 • જે તે વિસ્તારમાં સાંસદ, સરપંચ કે આગેવાનનું નામ જાણી લઈ હોર્ડિંગ્સ પરથી બિલ્ડરો અને ગૂગલ પરથી કંપનીના કોન્ટેકટ નંબર મેળવી ફાળા માટે કરતો કોલ
 • આરોપીએ 13 સ્થળે ખેલ ખેલ્યો હોવાની કબૂલાત સાથે 2 મોબાઈલ અને 7 સીમ મળ્યા, રોકડી થઈ ગયા બાદ સીમકાર્ડ બદલી નાખતો
 • ડિસેમ્બરમાં સાંસદે SOU 121 ગામ ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે રાજીનામું આપ્યા બાદ સર્કિટ હાઉસનું લોકેશન ખબર પડતાં ભરૂચના ઉદ્યોગોને સાંસદના નામે ફોન કરી નાણાં ઉંઘરાવવાનો ખેલ શરૂ કર્યો હતો
(હિસ્ટ્રશીટર અમદાવાદના નિકોલ ગામનો રીતેશ ઉર્ફે સર્કિટ જોષી)

WatchGujarat. ભરૂચના સાંસદ MP મનસુખ વસાવાના નામે છેલ્લા 5 થી 6 મહિનાથી દહેજ અને ઝઘડિયાની કંપનીઓમાં ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર અમદાવાદના નિકોલ ગામના હિસ્ટ્રીસીટર ‘સર્કિટ’ જોષીને ભરૂચ LCB એ પકડી પાડતા નેતાઓના નામે ઉઘરાણાનો ચોંકાવનારો ધડાકો થયો છે.

છેલ્લા 5 -6 મહિનાથી ભરૂચ જિલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ – નર્મદાના સાંસદ MP મનસુખ વસાવાના નામનો ખોટો ઉપયોગ કરી કોઇ અજાણ્યો ઇસમ ફોન કરી મંદીર બનાવવા તથા ધાર્મિક કામ માટે રૂપિયાની માંગણી કરતો હોવાની રજુઆત ખુદ સાંસદે પોલીસને કરી હતી.

MP મનસુખ વસાવાની રજુઆત બાદ દહેજ પોલીસ મથકે સાંસદના નામે ઉધોગોમાં કોલ કરી ફંડ-ફાળો માંગવાના આ ગંભીર પ્રકરણમાં ગુનો દાખલ કરાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પરીણામલક્ષી તપાસ કરી ગુનો શોધી કાઢવા સુચના આપી હતી. LCB PI જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે ભેજાબાજનું પગેરૂ શોધી કાઢવા ટેક્નિકલ સર્વેલન્સથી પ્રયત્નો હાથ ધર્યા હતા.

તપાસમાં જોડાયેલ ટીમને બાતમી મળેલ કે, દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ – નર્મદા સાંસદ મનસુખ વસાવાના નામનો ખોટો ઉપયોગ કરી ફોન કરનાર વ્યક્તિ અમદાવાદનો છે. હાલમાં પણ તેની હાજરી અમદાવાદ ખાતે છે.

જે હકિકત આધારે ઉપરી અધિકારીની સુચના મુજબ ભરૂચ LCB ની ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે અમદાવાદ બાપુનગર વિસ્તારમાંથી રિતેશ ઉર્ફે સર્કિટ જોષીને ઝડપી પાડી ભરૂચ લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા સાંસદ, સરપંચ સહિત નેતાઓના નામે કંપનીઓ, બિલ્ડરો, સોસાયટીઓમાં કોલ કરી મંદિર બનાવવા નાણાં ઉઘરાવ્યાં હોવાની કબૂલાત કરી હતી.

આરોપીએ 13 ગુનામાં ₹5.09 લાખનું અમદાવાદ, સુરત સને દમણમાં ઊઘરાનું કર્યું હતું. જેની પાસેથી 2 મોબાઈલ અને 7 સીમ મળી આવ્યા છે. દમણમાં સાંસદ સને સરપંચના નામે ફોન કરી ₹2.50 લાખ કંપની પાસેથી ખખેરીયા હતા.

સગા-સંબંધીના ઘરે જતા સરપંચ અને નાના-મોટા નેતાના નામ જાણી સર્કિટ પોતાનો કસબ અજમાવતો

હિસ્ટ્રીસીટર રીતેષ ઉર્ફે સર્કિટ ચંદ્રકાંતભાઇ જોષી રહે. મકાન નં -41 પુષ્પાકુંજ સોસાયટી, નીકોલ ગામ રોડ અમદાવાદ પોતાના સંબંધીઓના ઘરે જાય તે વખતે સરપંચો તથા નાના મોટા રાજકીય નેતાઓના નામ જાણી લેતો હતો. જે બાદ શહેરમાં જાહેરાત માટે લગાવેલ બીલ્ડરની સાઇટના બોર્ડમાંથી બીલ્ડરના નંબરો મેળવી તથા અલગ અલગ કંપનીઓના નામ તથા HR મેનેજરની વિગતો ગુગલ મારફતે મેળવી બીલ્ડર તથા કંપનીઓમાં મંદીરો બનાવવા તથા ધાર્મિક કામ કરાવવા માટે રૂપિયાની માંગણી કરતો ફોન કરી રૂપીયા આવ્યે સીમકાર્ડ બદલી ભાગી જવાની જતો હતો.

સંઘ પ્રદેશ દમણથી લઈ પાટનગર ગાંધીનગર સુધી મંદિર નિર્માણ માટે જે તે વિસ્તારના સ્થાનિક નેતાના નામે કોલ કરી ઉઘરાવ્યાં લાખો રૂપિયા

 1. અગાઉ વર્ષ 2020 માં દમણના સાંસદ લાલુભાઇ પટેલ તથા નાની દમણના સરપંચ દીનુભાઇ પટેલના નામનો ઉપયોગ કરી અલગ અલગ કંપનીઓમાં ફોન કરી ₹2.50 લાખ મેળવ્યા
 2. વર્ષ 2018 માં અમદાવાદ બોડકદેવના સરપંચ હીતેષભાઇ બારોટના નામનો ઉપયોગ કરી અલગ અલગ સોસાયટીઓમાં ફોન કરી મંદીર બનાવવા માટે પૈસાની માંગણી
 3. અમદાવાદ શહેર 2019 માં શીલજના સરપંચના નામનો ઉપયોગ કરી હીન્દ એલ્યુમિનીયમ કંપનીમાં ફોન કરી ₹21000
 4. અમદાવાદ શહેરમાં આનંદનગર સોસાયટીમાં મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ₹51000 ફાળો ઉઘરાવેલ
 5. વર્ષ 2018માં સુરત કડોદરા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ફોન કરી મંદીર બનાવવાના બહાને ₹31000 વસુલ્યા
 6. વર્ષ 2017 માં અમદાવાદ શહેરમાં નારોલમાં એક એસ્ટેટ માંથી મંદીર બનાવવાના બહાને ₹35000
 7. વર્ષ 2018 માં અમદાવાદ શહેરમાં સેટેલાઇટના બીલ્ડર બેન્કમાર્ક ઇન્ફાસ્ટકચર પ્રા.લી. માંથી મંદીર બનાવવાના બહાને ₹15000
 8. વર્ષ 2020 માં અમદાવાદ શહેરમાં બાપુનગર ખાતે એક સોસાયટીમાં મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ₹11000 ભેગા કર્યા
 9. વર્ષ 2017 માં અમદાવાદ ચાંગોદર GIDC માં આવેલ એક ફેકટરીમાં ફોન કરી મંદીર બનાવવાના બહાને ₹11000 પડાવ્યા
 10. ધોળકામાં આવેલ એક ફેકટરીમાં ફોન કરી મંદીર બનાવવાના બહાને ₹31000 લીધા
 11. 2019 માં ગાંધીનગર નજીક અડાલજની એક સોસાયટીમાંથી મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ₹11000 ઉઘરાવેલ
 12. 2019 માં ગાંધીનગર એક બીલ્ડર પાસેથી મંદીરના નામે ફાળો ઉઘરાવવા બુકો છપાવી ₹21000 ફાળો
 13. 2021 માં સુરત કડોદરા વિસ્તારના કરંજ ગામના સરપંચ કાળુભાઇ પટેલના નામનો ઉપયોગ કરી રૂબી ટેક્ષટાઇલ કંપનીમાંથી મંદીર બનાવવાના બહાને ₹5000 મેળવ્યા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud