• ગુજરાતના 12 આદિવાસી જિલ્લાના લોકોને હજી કનેક્ટિવિટીનો લાભ મળ્યો નથી
  • આ જિલ્લાઓની વસતી 20 ટકા છે કે જ્યાં કનેક્ટિવિટી મળી શકતી નથી
  • સરકાર 10 કરોડના ખર્ચે 12 જિલ્લાની 14 જગ્યાએ મોબાઇલ ટાવરની સુવિધા ઉભી કરવામાં આવશે
  • 12 જિલ્લાના વિસ્તારો પૈકી નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં બે-બે અને બાકીના 10 જિલ્લામાં એક-એક ટાવર લગાવવામાં આવશે

WatchGujarat. તાજેતરમાં રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આધુનિક યુગના આ જમાનામાં રાજ્યના કેટલાંક જિલ્લાઓ હજી પણ ઈન્ટરનેટ અને મોબાઈલ ટાવર જેવી સુવિધાઓથી વંચિત છે. એક તરફ જ્યારે લોકો ઓનલાઈન અને ડિજીટલ ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતના કેટલાંક આદિવાસી જિલ્લાઓમાં લોકો સુધી હજી પણ આ સુવિધા પહોંચી નથી.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા કેટલાક આદિવાસી વિસ્તારો આઈડેન્ટિફાય કરવામાં આવ્યાં છે. જ્યા હજી પણ ઈન્ટરનેટ જેવી સુવિધાઓનો અભાવ છે. ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યારે ગુજરાતમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનો ઉપયોગ વધતાં રાજ્ય સરકારે તેની પ્રજાલક્ષી સેવાઓ ઓનલાઇન અને ડિજીટલમાં રૂપાંતરિક કરી છે. ત્યારે બીજી તરફ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આ સુવિધાઓ હજી પહોંચી શકી નથી. આ ઘણી ચોંકાવનારી બાબત છે. મહત્વનું છે કે આ જિલ્લાઓની વસતી 20 ટકા છે કે જ્યાં કનેક્ટિવિટી મળી શકતી નથી.

આ 12 તાલુકાના પસંદ કરવામાં આવેલા ગામોમાં મોબાઇલ ટાવર નાંખવાનું નક્કી કરવામાં આવ્યું છે

– સાબરકાંઠાના પોશીના

– વલસાડના કપરાડા

– તાપીના સોનગઢ

– સુરતના ઉમરપાડા

– નવસારીના વાંસદા

– ભરૂચના નેત્રંગ

– છોટાઉદેપુર

– દાહોજના સિંગવડ

– બનાસકાંઠાના દાંતા

– અરવલ્લીના ભિલોડા

– મહીસાગરના સંતરામપુર

નોંધનીય બાબત છે કે આ તાલુકાઓમાંથી ઘણાં વિસ્તારોમાં સરકારી કચેરીઓમાં પણ નેટવર્કના અભાવે ઓનલાઇન કાર્યવાહી થઇ શકતી નથી. કારણ કે આ વિસ્તારોમાં નેટવર્કનો મોટો ઇસ્યુ છે. તમને જણાવી દઈએ કે સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે રાજ્યના આદિવાસી વિકાસ વિભાગે એવા ઉપર જણાવેલા આદિવાસી વિસ્તારો આઇડેન્ટિફાય કર્યા છે. આ વિસ્તારોમાં સરકાર દ્વારા ટૂંક સમયમાં મોબાઇલ ટાવરને નાંખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે માટે સરકાર 10 કરોડના ખર્ચે 12 જિલ્લાની 14 જગ્યાએ મોબાઇલ ટાવરની સુવિધા ઉભી કરી રહી છે. જેથી આ વિસ્તારના લોકો પણ કનેક્ટિવિટીનો લાભ મેળવી શકે.

તમને જણાવી દઈએ કે આ પસંદ કરેલા 12 જિલ્લાના વિસ્તારો પૈકી નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં બે-બે મોબાઈલ ટાવર લગાવવામાં આવશે. જ્યારે અન્ય 10 જિલ્લામાં એક-એક ટાવર લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટાવર લગાવવા માટે જરૂરી જમીન ઉપલબ્ધ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રને ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે જ્યારે દેશભરમાં કોરોના મહામારીને કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. ત્યારે આ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ અત્યારે શિક્ષણથી વંચિત રહી જાય છે. જે ખુબ જ ગંભીર બાબત છે. આ ઉપરાંત કનેક્ટિવિટીના અભાવે સરકારના વિવિધ વિભાગોએ શરૂ કરેલી ડિજીટલ સેવાઓ અને યોજનાઓનો પણ આ વિસ્તારના લોકો લાભ મેળવી શકતા નથી. પરંતુ મોડેથી પણ સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી અને તેમાં મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી આપવાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ કામગીરી પૂર્ણ થતાં સુધી આ વિસ્તારોના લોકોએ હજી રાહ જોવી પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud