• ગોચરની જમીનમાં ગેરકાયદે કબજો અને નવા બાંધકામને દૂર કરવા ગરૂડેશ્વર મામલતદારે ગાજ વરસાવી
  • હજી ટેન્ટ સિટી 1 ના સંચાલક લલ્લુજી & સન્સ સામે લેન્ડ ગ્રેબરિંગ એક્ટ હેઠળ લટકતી તલવાર
  • SOU ઓથોરિટીની સયુંયકત તપાસણી દરમ્યાન લલ્લુજી & સન્સ દ્વારા 4200 ચો.મી. જમીનમાં અનઅધિકૃત કબ્જો કરી તળાવ કિનારે અનઅધિકૃત બાંધકામ

WatchGujarat. SOU કેવડિયા ટેન્ટસિટી 1 ના સંચાલક અમદાવાદ શિવાલીક રોડ સ્થિત લલ્લુજી એન્ડ સન્સને ગેરકાયદેસર 7 થી વધુ ટેન્ટ ઉભા કરી 1.293 ઘનમીટર સાગ અને ખાખરાના વૃક્ષોના છેદનમાં કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે MD દીવાનસુ અગ્રવાલને સમન્સ નોટિસ ફટકારી 28 મે એ કચેરીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. ત્યાં હવે ગરૂડેશ્વર મામલતદારે ગોચરમાં ગેરકાયદે કબજો અને બાંધકામને તાત્કાલિક દૂર કરવા ગુરુવારે વધુ એક નોટિસ ફટકારી છે.

કેવડિયા વન વિભાગ રેંજ દ્વારા ટેન્ટ સિટી 1 સંચાલક લલ્લુજી એન્ડ સન્સ કંપનીના MD દીવાનસુ અગ્રવાલને સમન્સ ફટકારવામાં આવતા ચકચાર મચી હતી. સરકાર દ્વારા જે જમીન ફાળવવામાં આવી હતી તેમજ જેટલા ટેન્ટ બનાવવા જોઈએ તેના કરતાં બાજુની વધુ જમીન ગેરકાયદે રોકી લેવામાં આવી હતી. સાગ અને ખાખરના અનામત વૃક્ષો વન વિભાગની કોઈપણ મંજૂરી લીધા વગર કાપી નાખી 7 જેટલા વધુ ટેન્ટ ઉભા કરાયા હતા.

વન વિભાગે ભારતીય અધિનીયમ 26(1)ક મુજબ જંગલ સાફ કરવું, અનામત વૃક્ષો કાપવા, વન્ય જીવોનું કુદરતી નિવસ્થાન નાસ કરવું અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગુના કરેલ હોવાનો સમન્સ લલ્લુજી એન્ડ સન્સના MD અગ્રવાલને ફટકારી જરૂરી જવાબ, જરૂરી પુરાવા લઈ ને 28 મે ના કેવડિયા રેંજ ઓફિસે હાજર રહેવા ફરમાન કરાયું હતું.

બીજી તરફ આજે ગરૂડેશ્વર તાલુકા મામલતદાર તરફથી કેવડીયા કોલોનીમાં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્રારા SOU ટેન્ટસીટી-1 માં સરકારી ગૌચરણની જમીનમાં વધુ ટેન્ટ, સ્વિમિંગ પૂલનો ડેક, ટેન્ટ સીટી-1ના માં મુખ્ય દ્વારની સામેના ભાગમાં આવેલ જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ વગેરે જેવા દબાણ કરીને ટેન્ટસીટી-1માં નવા શરૂ કરાયેલા બાંધકામ વગેરેને તાત્કાલિક દૂર કરવા માટે 27 મેં ના રોજ મુંબઇ જમીન મહેસૂલી નિયમ-1879 ની કલમ-68,69 એ (એ) મુજબની નોટીસની બજવણી કરીને તાત્કાલિક તેમના ખર્ચે અને જોખમે ઉકત અનઅધિકૃત કબજો દૂર કરવાનો હૂકમ કર્યો છે.

નોટીસમાં જણાવ્યાં મુજબ ગરુડેશ્વર તાલુકાના ખલવાણી ગામના સર્વે 85-અની હે. 20-58-08 ચો.મી. સરકારી પડતર પૈકી હે.2-00-00 જમીન ગૌચર સદરે નીમ કરી. સર્વે નં. 85-બ ની હે.7-08-20 પૈકી હે 2-00-00 જમીન ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧1972 ના વહીવટી હુકમ-3 ની જોગવાઇઓ હેઠળ ‘ટેન્ટસીટી’ ના હેતુ માટે પ્રવાસન વિભાગને તબદિલ કરેલ જમીનમાં TGCL દ્વારા થયેલ કરાર આધારીત ટેન્ટસીટી-1 નું નિર્માણ કરવામાં આવેલ છે.

25 જાન્યુઆરી 2021 ના રોજ અધિક કલેકટર SOU ADTG ઓથોરીટી, એડમીનીસ્ટ્રેટર SOU ADTG ઓથોરીટી, મામલતદાર SOU ADTG ઓથોરીટી, મામલતદાર ગરૂડેશ્વર, પરિક્ષેત્ર વન અધિક્ષક કેવડીયા, ડી.આઇ.એલ.આર. SOU ADTG દ્વારા સંયુકત તપાસણી દરમ્યાન લલ્લુજી & સન્સ દ્વારા 4200 ચો.મી. જમીનમાં અનઅધિકૃત કબ્જો કરી કરવામાં આવી રહેલ બાંધકામ ટેન્ટસીટી તળાવ કિનારે આવેલ છે.

જેમાં નવીન 16 ટેન્ટ તથા પ્રાઇવેટ સ્વીમીંગ પુલ ડેકનું બાંધકામ કરી રહેલ હોવાનું તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે. આ ઉપરાંત ટેન્ટ સીટી-1 ના માં મુખ્ય દ્વારની સામેના ભાગમાં આવેલ સર્વે નંબર 112 પૈકી 0-27-21 હેક્ટર જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ તરીકે કોઈપણ જાતની પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવેલ છે. આ માટે બાંધકામ કરતા પહેલાં કરારની શરત નં. 2.1.2 (ડી) મુજબ કોઈ પરવાનગી લેવામાં આવેલ નથી.

ટેન્ટ સીટી-1 નાં બાંધકામ બાબતે બિનખેતી પરવાનગી, બાંધકામનાં નકશા વિગેરે બાબતે પણ અધિકૃત કક્ષાએથી મંજૂરી લેવાયેલ હોવાનું જણાયેલ નથી તથા  સરકારી જમીનનાં ઉપયોગ બદલ કોઈ સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી મેળવવામાં આવેલ નથી. ગરુડેશ્વર મામલતદારના જણાવ્યાં મુજબ મોજે-ખલવાણી તા.ગરૂડેશ્વરનાં સર્વે નં. 85-બ ની જમીન ગૌચર સદરની હોઇ સુપ્રિમ કોર્ટના 28 જાન્યુઆરી 2011 સિવિલ અપીલનં.1132/2011 ઈન એસ.એલ.પી(સી) નં. 3109/2011 માં આપેલ ચુકાદામાં જણાવેલ નિર્દેશોનું કડક અને ચોકસાઇપુર્વક પાલન કરવાનું થતુ હોઇ. મામલતદાર, ગરૂડેશ્વર તરફથી ગૌચરણની જમીન પર અનઅધિકૃત કબ્જો કરી કરેલ બાંધકામ જમીન મહેસુલ અધિનિયમ-1879 ની કલમ-61, કલમ-79 એ(એ) તથા કલમ-202 ની જોગવાઇ મુજબ તાત્કાલિક અસરથી પોતાના ખર્ચે અને જોખમે  અનઅધિકૃત કબ્જો દુર કરવાનો હુકમ કર્યો છે.

વધુમાં, બદઈરાદાપૂર્વક નફાકીય હેતુસર સરકારી જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી કોઈ પણ મંજૂરી વગર બીનખેતી કૃત્ય કરેલ છે, તે સબબ ટેન્ટસીટી-1નાં માલિકો તથા વહીવટકર્તાઓ સામે દંડનીય કાર્યવાહી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી, તે માટે જરૂરી આધાર પૂરાવા સહિત તા.29 મેં 21ના રોજ 11 કલાકે મામલતદાર, ગરૂડેશ્વર સમક્ષ હાજર થવાનું પણ ફરમાન કરાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud