- UPL બહાર અને રસ્તા ઉપર ઉમટેલા ગ્રામજનો સાથે પોલીસ ઘર્ષણ
- ભર શિયાળે પણીયાદરા અને પાદરિયાના 4 હજાર જેટલા ગ્રામજનોને પાણીના વલખા
- સમસ્યા નહિ ઉકેલાતા પાણી માટે પાનીપત સર્જાયું
- ઉદ્યોગોએ 3 વર્ષ પહેલાં કંપનીઓ સ્થાપ્યા બાદ પીવાના પાણી, રોજગારી સહિત ગામના વિકાસની સમસ્યા હલ ન કરી
WatchGujarat દેશમાં એક તરફ ખેડૂત આંદોલન થઈ રહ્યું છે. ત્યાં કિસાનો ના આંદોલનને કચડી નાખવા શિયાળામાં ઠંડા પાણીનો મારો ચલાવાયો હતો. ત્યા બીજી તરફ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરામાં ભર શિયાળે પાણી માટે છેલ્લા કેટલાય દિવસોથી વલખા મારતા લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાની ઘટના બની છે. #Bharuch
ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી હોવા છતાં અહીંની પ્રજા આજે પણ સરકારના પાપે નર્મદા ના નીર વિના તરસી રહી છે. નર્મદાના નીર તો ભરૂચની પ્રજાને નસીબ થવાની વાત દૂર રહી પણ વાગરા, આમોદ અને જંબુસર તાલુકા ના કેટલાય ગામોમાં હજી પણ પીવાના પાણીની સમસ્યાનો કાયમી હલ થયો નથી. વાગરા તાલુકા ના પણીયાદરા અને પાદરિયા ગામના 4000 લોકો ભર શિયાળે છેલ્લા કેટલાક દિવસોથી પીવા અને વપરાશ માટે પાણીની હાડમારી ભોગવી રહ્યા હતા. તંત્ર દ્વારા ટેન્કરો મોકલી ગામમાં આવેલા ટાંકા ભરવામાં આવતા હતા. જેમાંથી રોજ જીવનજરૂરિયાત અને પીવાનું પાણી ભરવા ગ્રામજનો વચ્ચે રોજ માથાકૂટ અને ઝઘડા થતા હતા. #Bharuch
પાણીની સમસ્યાથી કંટાળી ગયેલા ગ્રામજનોએ કાયમી ઉકેલની માંગ સાથે ગુરુવારે રસ્તા રોકો આંદોલન અને UPL કંપની બહાર દેખાવો શરૂ કર્યા હતા. બપોર સુધી ગ્રામજનો રસ્તા અને કંપની બહારથી નહિ હટતા લોકોને વિખેરવા પોલીસ એક્શનમાં આવી હતી. પાણીના કાયમી ઉકેલ માટે ઉમટી પડેલા 500 થી વધુ મહિલાઓ તેમજ ગ્રામજનોના ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ટોળા અને પોલીસ વચ્ચે ખેંચતાણમાં ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠ્ઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જ્યારે ટીયર ગેસના પણ 3 થી 4 જેટલા સેલ છોડાયા હતા.
વાગરા તાલુકામાં પણીયાદરા અને પાદરિયા ગામ નજીક ઉદ્યોગો 3 વર્ષ પહેલાં આવતા તેમણે ગ્રામજનોને પીવા અને વપરાશના પાણીની સમસ્યા હલ કરવાની બાંહેધરી આપી હતી. સાથે જ ઉધોગોમાં સ્થાનિકને રોજગારી તેમજ ગામનો વિકાસ કરવાની શરતે ઉદ્યોગો સ્થપાયા હતા. જોકે ઉદ્યોગોએ ગામના પીવા તેમજ વપરાશના પાણીની જ જટિલ તેમજ પ્રાથમિક જરૂરિયાત હલ કરી ન હતી. જેને લઈ આજે ગ્રામજનોએ કંપની બહાર અને રસ્તા પર ઉતરી આવી પાણી મુદ્દે આંદોલન છેડયું હતું. પીવાના પાણી માટે વલખા મારતા લોકોને વિખેરવા ટીયર ગેસ ના સેલ અને હળવો લાઠીચાર્જ પોલીસ દ્વારા કરાતા ગ્રામજનોમાં વધુ રોષ ફાટી નીકળ્યો છે. જોકે પ્રશાસન, પોલીસ અને કંપની સત્તાધીશો તરફથી હજી ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. #Bharuch