• કરજણ પેટા ચૂંટણી: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન કરાવવાની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા
  • જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર શાલિની અગ્રવાલએ કોવિડ સુરક્ષિત મતદાન વ્યવસ્થાઓની આપી વિગતવાર જાણકારી
  • મતદાન ના આગલા દિવસે બુથને સેનેટાઈઝ કરવામાં આવશે
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલ

વડોદરા. કોવિડની મહામારી એ ઘણી બધી પ્રચલિત કાર્ય પદ્ધતિઓને ધરમૂળથી બદલી નાંખી છે જેમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનનો સમાવેશ થાય છે. તેને અનુલક્ષીને કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રે ભારતના ચૂંટણી પંચના કોવિડ વિશેષ માર્ગદર્શનને ચૂસ્ત રીતે અનુસરીને કેટલીક વિશેષ સાધન સામગ્રી રાજય સરકારની મદદથી ઉપલબ્ધ કરાવી છે. અત્યારે સુધી મતદાન મથકે મતદાન કર્યાની નિશાની રૂપે મતદારની આંગળીએ ટપકું કરવા અવિલોપ્ય શાહીની બોટલ અપાતી હતી, હવે તેની સાથે સેનેટાઈઝરની બોટલ ઉમેરાશે. તો અગાઉ દરેક મતદાન મથક માટે એક ફાનસ આપવામાં આવતું હતું જે હવે નથી અપાતું, તો તેની સામે રબર મોજાં અને ફેસ શિલ્ડ જેવી નવી સામગ્રી ઉમેરવામાં આવી છે.

આરોગ્ય માટેના નોડલ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતના સંકલન હેઠળ આ તમામ કોવિડ વિશિષ્ઠ સાધન સામગ્રી પ્રોક્યોર કરીને શહેરમાં આવેલા જિલ્લા આરોગ્ય તંત્રના ઔષધ ભંડાર ખાતે રાખવામાં આવી હતી. જે આજે વિવિધ બોકસમાં કરજણ બેઠકના ચૂંટણી અધિકારીને પહોંચાડવામાં આવી હતી.

આ અંગે વધુ જાણકારી આપતાં જિલ્લા એપીડેમિક ઓફિસર ડો. બિડલાએ જણાવ્યું કે, ૩૧૧ મતદાન મથકે આવનારા પ્રત્યેક મતદારોને ૧ ડિસ્પોઝેબલ પોલીથીન હાથ મોજું આપવામાં આવશે. આ મોજું જમણા હાથે પહેરીને મતદારે મતદાન યંત્રની ચાંપ દબાવવાની છે એટલે કે મતદાન કરવાનું છે. ડાબા હાથની આંગળી પર શાહીનું નિશાન કરવાનું હોવાથી એ હાથે મોજું પહેરવાનું નથી. મતદાન યંત્રની ચાંપોને મતદારોની આંગળીઓના વારંવાર થનારા સ્પર્શથી ચેપની શક્યતા ટાળવા આ તકેદારી લેવામાં આવી છે. મતદાન પછી મતદારે આ મોજું કાઢીને તેના માટેની વિશેષ કચરા ટોપલીમાં નાંખીને પછી જ મતદાન મથકની બહાર નીકળવાનું રહેશે. આ હેતુસર લગભગ બે લાખ પોલીથીન હાથ મોજાં આપવામાં આવ્યાં છે.

મતદાન કર્મીઓને ચેપ સામે સુરક્ષિત રાખવાની તકેદારીના ભાગરૂપે, મતદાન મથકે ફરજ બજાવનારા તમામ મતદાન કર્મીઓ,સુરક્ષા કર્મીઓ અને આશા/આરોગ્ય કાર્યકરોને હાથ મોજા, સેનટાઈઝર, ગન, પલ્સ ઓક્સિમીટર, ફેસ શિલ્ડ અને પીપીઇ ક્ટિસ આપવામાં આવી છે. એ યાદ રહે કે, દરેક મતદારે ફરજિયાત માસ્ક પહેરીને મતદાન મથકે આવવાનું છે.

આ ઉપરાંત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.મુરલી ક્રિષ્ણએ ગુજરાત વિધાનસભાની 147 કરજણ બેઠકની ચૂંટણીના અનુસંધાને ઓનલાઇન બેઠક યોજીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલ સાથે મતદાનની પૂર્વ તૈયારીઓ અને કોવિડ તકેદારીઓના તેમાં સમાવેશની મુદ્દાવાર સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્મચારીઓ તેમજ મતદારો માટે કોવિડ સુરક્ષિત મતદાનની કરવામાં આવેલી વ્યવસ્થાઓની વિગતવાર જાણકારી આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud