• મત ગણતરી સ્ટાફ માસ્ક ફેસ શિલ્ડ સહિતની તકેદારીઓ લઈ કામ કરશે
  • સોશીયલ ડિસ્ટન્સ જાળવવા બે ખંડમાં 7+ 4=11 ટેબલ પર ગણતરીનું આયોજન
  • બેઠકના 311 મતદાન મથકો હોવાથી,11 મતદાન મથકના એક રાઉન્ડ પ્રમાણે 29 જેટલા રાઉન્ડ થવાની ધારણા

વડોદરા. જીલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓને ધ્યાનમાં લઈને તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીના દિશા નિર્દેશો પ્રમાણે બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી,કરજણ દ્વારા શહેરની પોલીટેકનિક કોલેજ ખાતે સમુચિત વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.આ વ્યવસ્થાઓમાં દરેક તબક્કે પંચ દ્વારા સૂચવવામાં આવેલી કોવિડ વિષયક તકેદારીઓને ચુસ્ત રીતે વણી લેવામાં આવશે.

આમ તો,એક મોટા ખંડમાં 11 મત ગણના ટેબલ રાખીને ગણતરી કરી શકાય હોત એવી જાણકારી આપતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષીએ જણાવ્યું કે કોવિડ વિષયક તકેદારીના પાલનની કાળજી લઈને એક ખંડમાં સાત અને બીજા ખંડમાં ચાર મળીને ફૂલ 11 મતદાન મથકોના મતો નો એક રાઉન્ડ એ પ્રમાણે કામગીરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આમ તો મત ગણના જ્યારે કાગળના મત પત્રો વપરાતા ત્યારે થતી હતી. હવે મતદાન ઇવીએમ થી થાય છે. જેના સિલ કરેલા કાઉન્ટિંગ યુનિટ માં મતદાનની સાથે સાથે આપોઆપ યાંત્રિક ગણતરી થતી જ રહે છે. મત ગણતરીના દિવસે આ યુનિટના સિલ ખોલી ઉમેદવાર વાર મળેલા મત નોંધવામાં આવે છે.એટલે આ પ્રક્રિયાને હવે મત ગણતરીને બદલે મત નોંધણી તરીકે ઓળખવી વધુ યોગ્ય ગણાય.

સચોટ નિરીક્ષણ અને મોનીટરીંગ માટે પ્રત્યેક ટેબલ પર એક માઇક્રો ઓબઝર્વર,એક સુપરવાઈઝર અને એક મદદનીશ મૂકી આ કામગીરી કરવામાં આવશે. આ માટે કુલ 45 જણની ટેબલ સ્ટાફ તરીકે સેવા લેવામાં આવશે.સુરક્ષાકર્મીઓ સહિત 150 થી વધુ લોકોની સેવાઓ લેવામાં આવે તેવી સંભાવના છે. મત ગણતરી સ્ટાફ ફેસ શિલ્ડ,માસ્ક સહિતની કોવિડ તકેદારીઓ સાથે કામ કરે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે.ઉમેદવારો ના એજન્ટો માટે પણ કોવિડ સુરક્ષિત નિરીક્ષણ વ્યવસ્થા ની રૂપરેખા નિર્ધારિત કરવામાં આવી રહી છે.

યાદ રહે કે મત ગણતરી મંગળવાર તા.10 મી નવેમ્બરના રોજ રાખવામાં આવી છે અને આ બેઠકના 311 મતદાન મથકો હોવાથી,11 મતદાન મથકના એક રાઉન્ડ પ્રમાણે 29 જેટલા રાઉન્ડ થવાની ધારણા છે. આ ઉપરાંત સેવા મત ઇત્યાદિ ની ગણના ની અલાયદી વ્યવસ્થા રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud