• ભયંકર દુઃખ સાથે કહેવું પડે છે…ભાજપના શાસનમાં સંતો પણ સુરક્ષિત નથી : મનસુખ વસાવા
  • ગુમાનદેવ હનુમાનજી મંદિરના ઈજાગ્રસ્ત મહંતને અંકલેશ્વર સારવાર અર્થે લવાયાં
  • બેફામ દોડતા વાહનો અને મહંતના જીવને જોખમ અંગે સાંસદે વહીવટી-પોલીસ તંત્રને પત્ર લખ્યો હોવા છતાં કાર્યવાહી ન થતા બન્ને હોનારત ઘટી
  • સાંસદ મનસુખ વસાવાની પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે ભારે નારાજગી

ભરૂચ. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંત ને ટોળા એ ટાર્ગેટ બનાવી મંદિર બહાર મારતા મારતા ઊંચકી લાવી મહિલાઓને સોંપી ફટકાર્યા હોવાની નિંદનીય ઘટનાને સાંસદ મનસુખ વસાવા એ ભાજપના શાસનમાં અત્યંત પીડાદાયક બતાવી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની ફરિયાદ નોંધવાઈ છે.

ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ તીર્થ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે વહેલી સવારે ત્રણ મહિલાઓનું મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. એક સાથે 3 ના મોતથી સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

 

ઘટનામાં પોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. પરંતુ આ ઘટનામાં ગુમાનદેવ મંદિરના મહંત પર લોકોનો આક્રોશ ફક્ત સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાના મુદ્દે ભડક્યો હતો અને મહંત મનમોહન દાસજી ને માર મારવામાં આવ્યા હતા. તેમને ગંભીર ઇજાઓ સાથે અંકલેશ્વરની સરગમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ અંકલેશ્વર રામકુંડ મંદિરના મહંત ગંગાદા બાપુ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મહંત મનમોહનદાસજીની તબિયત અંગે પૃચ્છા કરી હતી તેમજ આ ઘટનાને વખોડી નાખી હતી.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા જ ભરૂચ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને મેં પત્ર લખ્યો હતો. જેમાં ગુમાનદેવ મંદિર ના મહંત સુરક્ષિત નથી તેમ જણાવ્યું હતું પરંતુ આ બાબતે કોઈ જ પગલા લીધા નથી. સાથે જ બેફામ દોડતા વાહનો અંગે પણ પત્ર લખી વહીવટી તંત્રને પગલાં ભરવા જણાવ્યું હતું. બન્ને મારા પત્રો પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજની ઘટના બની ન હોત. આ ઘટનાથી ખરેખર અત્યંત દુઃખ થયું છે અને હવે આવી ઘટના ન બને એ બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પૂરતી સુરક્ષાવ્યવસ્થા રાખે તે જરૂરી છે.

વધુમાં સાંસદે ભાજપના શાસનમાં સંત ઉપર હુમલોએ અત્યંત દુઃખદ ઘટના ગણાવી તેની નિંદા કરી હતી. સાથે પોતાની જ સરકાર, તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. અકસ્માતની ઘટના બાદ મહંતને કેટલાક ગ્રામજનોએ ટાર્ગેટ કરી પ્રિ-પ્લાન હુમલો કર્યો હતો.

મહંત મનમોહનદાસજી પર માત્ર હુમલો થયો નથી પરંતુ રૂપિયા 4.50 લાખ રોકડા, ચાંદીની એક ઈંટ અને મહંત મનમોહન દાસજી ગળામાં જે 2 તોલાની ચેઈન પહેરતા હતા એની પણ લૂંટ થઈ છે. મહતે ઝઘડિયા પોલીસ મથકે 9 ગ્રામજનો સહિતના ટોળા સામે જીવલેણ હુમલો તેમજ ₹5.80 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં પડે એમ હાલ લાગી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud