• ગોવાલી ગામે નર્મદા નદીના પટમાંથી ગેરકાયદે ચાલતા રેતી ખનન અંગે અરજદાર દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી.
  • ઝઘડિયા SDM ને ફરિયાદ મળતા મામલતદાર, ભરૂચ ભૂસ્તર વિભાગને સાથે રાખી, 3 રોયલ્ટી વગરની ટ્રક, 3 ઓવરલોડેડ ટ્રક મળી ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત

WatchGujarat. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે નદીના પટમાં ગેરકાયદે રેતી ખનનની મળેલી ફરિયાદના આધારે પ્રાંત અધિકારીએ મામલતદાર અને ભરૂચ ભૂસ્તર વિભાગને સાથે રાખી પાડેલા દરોડામાં રોયલ્ટી વગરની 3 ટ્રક તેમજ ઓવરલોડેડ રેતી ભરેલી 3 ટ્રક મળી કુલ ₹ 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી લીઝ ધારક સામે કાર્યાવાહી હાથ ધરી છે.

ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન અને તેનું વહન, રોયલ્ટી ચોરી તથા ઓવરલોડ વાહનનુ કામ તંત્રની રહેમ નજર હેઠળ વર્ષોથી ચાલતું આવ્યું છે. ખનીજની કવોરી, ખાણો, લીઝો સાથે સંકળાયેલા ઈસમો ઝઘડિયા તાલુકામાં એટલી હદે બેકાબુ બન્યા છે કે તે કાયદો હાથમાં લઈ ગેરકાયદેસર ખનન તથા વહન કરવા ખચકાતા નથી. તાલુકાના ગોવાલી ગામના એક સ્થાનિક અરજદારે ઝઘડિયાના ગોવાલી ગામના નર્મદા કિનારાના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતી હોવાની ફરિયાદ ઝઘડિયા પ્રાંત અધિકારીને કરી હતી.

ઝઘડિયા પ્રાંત અધિકારીએ અરજદારની ફરિયાદ ધ્યાને લઈ ઝઘડીયા મામલતદાર તથા ભૂસ્તર વિભાગ ભરૂચને સાથે રાખી તાલુકાના ગોવાલી ગામે સંયુક્ત રીતે ઓપરેશન હાથધરી દરોડા પાડયા હતા. દરમ્યાન  ત્રણ ટ્રકો રોયલ્ટી વગર તથા ત્રણ ટ્રકોમાં 4 થી 5 ટન ઓવરલોડ રેતી ભરી વહન કરવામાં આવતી હતી જે રંગે હાથે ઝડપી પાડી હતી.

ભૂસ્તર વિભાગે તમામ ટ્રકોને વજન કરાવી ઝઘડિયા પોલીસને સોંપી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભરૂચ ભૂસ્તર વિભાગના કેયુર રાજપરા એ જણાવ્યું હતું કે, ઝડપાયેલ ટ્રકો અને તેમાં ભરેલ ખનીજ મળી કુલ એક કરોડ જેટલી રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  ભૂસ્તર વિભાગ દ્વારા ગોવાલી ગામના લીઝ ધારક ધનરાજસિંહ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે તેને નોટિસ પાઠવી છે. કસૂરવારો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud