• થાણાગાલોળ ગામની સીમમાં 7 જેટલા સિંહોએ ગામની મુલાકત લીધી
  • સીસીટીવીનાં આધારે વન વિભાગે શરૂ કરી તપાસ
  • ખેડૂતોને વાડીએ નહીં જવાની સૂચના વન વિભાગે અપાય
  • બે દિવસ પહેલા વાડીમાં બે બળદનો શિકાર પણ કર્યો હતો.

રાજકોટ : જેતપુરનાં થાણાગાલોળ ગામની સીમમાં 7 જેટલા સિંહોએ ધામા નાખ્યા છે. સિંહોની અવરજવર સીસીટીવી કેમેરામાં કેદ થતા તેના આધારે વન વિભાગે સિંહોનું લોકેશન મેળવવા તપાસ શરૂ કરી છે. સાથે જ હાલ ખેડૂતોને વાડીએ નહીં જવાની સૂચના વન વિભાગે આપી છે. જેને લઈને સ્થાનિકોમાં કુતુહલ સાથે ફફડાટ ફેલાયો છે.

આ અંગે વનવિભાગના બીટગાર્ડ રામભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મેટીંગના સમય તથા શિયાળામાં સિંહો ક્યારેક જેતપુરની રેન્જમાં આવી ચડતા હોય છે. હાલ સાત સિંહોનું એક ગ્રુપ આ વિસ્તારમાં ફરે છે. બે દિવસ પહેલા સિંહના આ ગ્રુપે મુકેશભાઈ મકવાણાની વાડીમાં બે બળદનો શિકાર પણ કર્યો હતો. અને હવે સીસીટીવી કેમેરામાં પણ સિંહો જોવા મળતા જ ખેડૂતોને વાડીએ નહીં જવાની સૂચના આપવામાં આવી છે. હાલ ફોરેસ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને સિંહના લોકેશન માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળુ પાકની સિઝન હોવાથી ખેડૂતોને વાડીએ રાત્રે પાણી વાળવા માટે જવું પડે છે. પરંતુ સિંહોના ધામાથી ખેડૂતો પણ વાડીએ જતા ડરી રહ્યાં છે. કેટલાક ખેડૂતોએ સિંહના ટોળાને ખેતરમાં કપાસ વચ્ચે આરામ ફરમાવતા જોયું હોવાનું જણાવ્યું છે. સિંહોનું આ ગ્રુપ દિવસે પણ વાડી-ખેતરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સિંહોના ગ્રુપને તાત્કાલિક જંગલ તરફ ખસેડવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud