- કપુરાઇ ગામમાં રહેતા 16 વર્ષીય અંકિત પ્રજાપતિ ગત મોડી સાંજથી ગુમ હતો
- વહેલી સવારે દેણા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએથી સ્થાનિકોને લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો.
- પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આઇ.ડી કાર્ડના આધારે વિદ્યાર્થીની ઓળખ છતી થઇ
- વિદ્યાર્થીની કરપીણ હત્યા શા માટે કરાઇ તે કારણ હજી અકબંધ
WatchGujarat ધો.10માં અભ્યાસ કરતા 16 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરી લાશને દેણા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. વહેલી સવારે ગ્રામજનોને મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતદેહ પાસેથી એક આઇ.ડી કાર્ડ મળી આવતા તેની ઓળખ છતી થઇ હતી. જોકે વિદ્યાર્થીની હત્યા શા માટે કરાઇ તેનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યુ નથી.
શહેર નજીક આવેલા કપુરાઇ ગામમાં રહેતા 16 વર્ષીય અંકિત પ્રજાપતિ ગત મોડી સાંજથી ગુમ થયો હતો. અંકિત સમયસર ઘરે ન આવતા પરિવાજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી અંકિતનો કોઇ પત્તો ન લાગતા આસપાસ વિસ્તારમાં પણ તેની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ સફળતા મળી ન હતી. દરમિયાન વહેલી સવારે દેણા ગામથી પીલોલ જવાના રસ્તે આવવરૂ જગ્યા પર ફેંકી દેવાયેલી લાશ ગ્રામજનોના નજરે ચઢી હતી. #Vadodara
રસ્તાની બાજૂમાં ફેંકી દેવાયેલી લાશને જોતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જેથી તાલુકા પોલીસના ઉચ્ચઅધિકારીઓ તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યાં હતા. જ્યાં યુવકની તપાસ કરતા લોહીમાં લથબથ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. મૃતદેહની તપાસ કરતા પોલીસને એક આઇ.ડી કાર્ડ મળી આવ્યું હતુ. આઇ.ડી કાર્ડના આધારે અંકિતની ઓળખ છતી થઇ હતી. બનાવને પગલે પોલીસે વિદ્યાર્થીના પરિવારને જાણ કરતા તેમના પગ નિચેથી જમીન સરકી ગઇ હતી. જોકે અંકિતની હત્યા કોણે કરી અને શા માટે તે અંગે હજી સુધી પોલીસને કોઇ પણ ચોક્કસ વિગતો સાપડી નથી. વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે તેના મૃતદેહની પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.