- ખાનગી લકઝરી બસમાં સવાર 25 જેટલા મુસાફરો ખેડા અને ખંભાતના હોવાનુ જાણવા મળી રહ્યું છે.
- માઉન્ટ આબુથી આબુ રોડ જતા સમય દુર્ઘટના સર્જાઇ
- વીરબાબા મંદિર મંદિર નજીક સર્જાયો અકસ્માત
WatchGujarat માઉન્ટ આબુ (Mount Abu) નજીક ખીણ પાસે બ્રેક ફેલ થતા ખાનગી બસ પલ્ટી જતા એકનું મોત અને 12 જેટલા લોકો ઘાયલ થયાનું સામે આવ્યું છે. આ પૈકી પણ 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ગોઝારા અકસ્માત અંગે જાણવા મળતી વિગત મુજબ, માઉન્ટ આબુથી (Mount Abu) 25 પ્રવાસીઓ સાથેની એક બસ આબુ રોડ (Abu Road) તરફ આવી રહી હતી. આ દરમિયાન વીરબાબા મંદિર નજીક બસની બ્રેક ફેલ થતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જો કે સદનસીબે બસ ખીણમાં પડવાને બદલે ખીણની પાસે પલ્ટી ગઈ હતી. ઘટનાને પગલે 12 જેટલા પ્રવાસીઓ ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ખસેડવામાં આવેલા મુસાફરોમાંથી પાંચ મુસાફરોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ICUમાં રખાયા હતા. જેમાંથી સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે હજુપણ 4 દર્દીઓ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય એમ નથી. જોકે હાલ પોલીસે અકસ્માતને પગલે સર્જાયેલા ટ્રાફિકજામને પૂર્વવત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આબુથી માઉન્ટ આબુનો આ રસ્તો પહાડી વિસ્તાર અને ખીણથી ઘેરાયેલો છે. આ રોડ પર સાવધાનીથી વાહન ચલાવવુ પડે છે. એક બાજુ ખીણ હોવાથી અકસ્માત સર્જાવાની સંભાવના વધારે રહે છે. જોકે આ ઘટનામાં સદનસીબે બસ ખીણમાં પડી નહીં હોવાથી મોટી જાનહાની ટળી છે.