• હંમેશાની માફક શાસક અને વિપક્ષ આમને સામને આવતા ઉગ્ર બોલાચાલી
  • કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયા, ભાજપના આંતરિક જૂથવાદ પર કટાક્ષ કર્યો
  • રાજકોટ જનરલ બોર્ડની બેઠકમાં કોંગી કોર્પોરેટરે એમ પણ કહ્યું “બોર્ડ તમારા બાપનું નથી”, કહેતા ભાજપનાં કોર્પોરેટરો સાથે ઘર્ષણ

WatchGujarat. આજે મેયર ડો પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને દ્વિમાસિક જનરલ બોર્ડની મળી હતી. જેમાં હંમેશાની માફક શાસક અને વિપક્ષ આમને સામને આવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જનરલ બોર્ડમાં ભાજપના 14 કોર્પોરેટરોએ 28 અને કોંગ્રેસના 4 સભ્યોએ 12 મળી કુલ 40 પ્રશ્ન મુકયા હતા. જો કે આ જનરલ બોર્ડમાં કોરોનાનાં માસ્ક સહિતનાં નિયમો ભૂલાયા હતા. આ દરમિયાન કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયાએ બોર્ડ કોઈના બાપનું નથી કહેતા ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકર અને પુષ્કર પટેલ ઉકળી ઉઠયા હતા. તેમજ ભારે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા.

Congress Corporator, Vashram Saghathiya
Congress Corporator, Vashram Saghathiya

બોર્ડના એજન્ડામાં વોર્ડ નં.3માં દરબારગઢ બાજુમાં યુરિનલ દુર કરવા, ઘંટેશ્વરના 24 મીટર ડીપી રોડમાં કપાત બદલ વૈકલ્પિક જમીન ફાળવવા, પાર્કિંગ પોલીસી અને બાયલોઝ મંજૂર કરવા, અરવિંદભાઇ મણિયાર લાયબ્રેરીમાં મનપા પ્રતિનિધિનું નામ સુચવવા, શિક્ષણસમિતિનું રોજકામ જાણમાં લેવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. ગત બોર્ડની જેમ જ આ બોર્ડમાં પણ ભાજપના કોર્પોરેટરોના પ્રશ્નોથી ચર્ચા શરૂ થઈ હતી. ક્રમ 1 થી 14 સુધી ભાજપના અને 15 થી 18 ક્રમ પર વિપક્ષના સવાલ રહ્યા હતા.

આ તકે કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયા, ભાજપના આંતરિક જૂથવાદ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, હાલ ભાજપમાં બે ભાગ છે. હવે પાટીલ સાહેબ રાજકોટ ત્રીજો ભાગ કરવા આવી રહ્યા છે. વધુમાં સાગઠીયાએ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને ભાજપના કોર્પોરેટરો પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમારો માંડ વારો આવ્યો છે તમે શાંતિથી બેસો. અને એક વાત સમજી લ્યો જનરલ બોર્ડ તમારા બાપની જાગીર નથી. આ સાંભળતા જ ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકર તથા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને સાગઠીયા વચ્ચે ઝગડો થયો હતો.

વશરામ સાગઠીયાએ મોબાઈલ ટાવર અંગે પ્રશ્ન પૂછ્યું હતું કે, મોબાઇલ ટાવરનો કેટલો વેરો બાકી છે ? આ મુદ્દે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કહ્યું હતું કે, હાલમાં 699 જેટલા મોબાઈલ ટાવર છે. જેની વસુલાતની રકમ રૂ. 158 કરોડ છે. એ પૈકી 4.5 કરોડ રૂપિયાની વસુલાત થઈ છે. હાલ આ બાબતે કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાથી કોર્ટના નિર્ણય બાદ મનપા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

બીજીતરફ વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ રોગચાળા પર પ્રશ્ન કરતા કહ્યું હતું કે, હાલ રોગચાળો વકરી રહ્યો છે. અને શહેરમાં મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યું, ચીકન ગુનિયા, મેલેરિયા તેમજ પાણીજન્ય રોગચાળા કમળો, ટાઈફોઈડ, મરડો, કોલેરા, તાવ, ઝાડા-ઉલટી, શરદી- ઉધરસ સહિતના કેસોમાં વિપુલ પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે નગરજનોનાં આરોગ્યના હિતમાં કોર્પોરેશન દ્વારા લેવાતા પગલા અંગે ચર્ચા કરવા અને આ જનરલ બોર્ડમાં સાચી માહિતી આપવા વિનંતી કરીએ છીએ. સાથે જ શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા મામલે ચર્ચા કરવાની માંગ કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners