• 3 તબીબોની કમિટી રચી કંટ્રોલ રૂમ શરૂ કરાયો
  • ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવાનુ રહેશે ત્યારબાદ જરૂરીયાત પ્રમાણે હોસ્પિટલને સીધા જે-તે હોસ્પિટલને પહોંચાડવામાં આવશે
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના રોજ 30 નવા દર્દીઓ દાખલ થાય છે.

WatchGujarat. શહેર-જિલ્લામાં કોરોનાથી થોડી રાહત થતા મ્યુકરમાઇકોસીસનો ભરડો ફેલાયો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 30 જેટલા નવા દર્દીઓ આવતા સમરસમાં શિફ્ટ કરવાની શરૂઆત ગઈકાલથી કરાઈ છે. ત્યારે હવે મ્યુકરમાઇકોસીસ માટેનાં ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી ઇન્જેક્શન નહીં મળતા હોવાનું દર્દીનાં સગાઓ દ્વારા જાણવા મળ્યું છે. જો કે તંત્ર દ્વારા 3 તબીબોની કમિટી રચી કંટ્રોલ રૂમ શરૂ કરાયો હોવાનું સિવિલ સુપરિટેનડેન્ટ દ્વારા જણાવાયું છે.

સિવિલ સુપરિટેનડેન્ટ આર. એસ. ત્રિવેદીનાં કહેવા મુજબ, સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધાઓ છે. પરંતુ દરરોજ 30 દર્દીઓ આવતા સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓની ભરતી કરવાનું શરૂ કરાયું છે. જ્યારે કે મ્યુકરમાઇકોસીસ માટેના એમ્ફોટિસીરીન-B ઇન્જેક્શન મેડિકલ સ્ટોર ધારકોને આપવાનું બંધ કરાયું છે. આ માટે સરકારનાં પરિપત્ર મુજબ ત્રણ ડોક્ટર્સની ટીમની રચના કરવામાં આવી છે. અને ઇન્જેક્શન માટે ખાસ કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. જ્યાં ખાનગી હોસ્પિટલને  રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને જરૂરિયાત મુજબ ઇન્જેક્શન સીધા જે-તે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવશે.

વહીવટી તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, હવેથી લિપોઝોમલ એમ્ફોટિસીરીન-B ઇન્જેક્શન મેળવવા ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડેન્ટ ફોર્મ તથા જરૂરીયાત મુજબના આધાર-પુરાવા એમ.જે. કુંડલીયા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ પાસે ,રાજકોટ ખાતે રજૂ કરવાના રહેશે. જેની ચકાસણી તબીબી તજજ્ઞની બનાવેલ સમિતિ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ જ સારવાર આપનાર ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન આપવામાં આવશે.

આ સાથે જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનોને ઇન્જેક્શન માટે નહીં આવવા જણાવાયું છે. આ ઇન્જેક્શન મેળવવવા સંબંધી વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 94998 04038, 94998 06486, 94998 01338, 94998 06828, 94998 01383 પર સંપર્ક કરવા જણાવાયું છે. જો કે લોકોનો આરોપ છે કે, આ કંટ્રોલ રુમ ખાતે પણ ઇન્જેક્શન મળતા નથી. અનેક હોસ્પિટલો દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયું હોવા છતાં બે દિવસથી ઇન્જેક્શન આપવામાં નહીં આવ્યા હોવાના આક્ષેપ પણ કરાઈ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud