• રાજકોટ જિલ્લાના વડાળી ગામની કુલ વસ્તી 2500 સામે 65 લોકો કોરોના સંક્રમિત થયા છે.
  • 2500 ની વસ્તી ધરાવતા ગામમાં માત્ર 75 લોકોએ વેકસીન મૂકાવી

WatchGujarat. કોરોનાનાં સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્ય સરકારના આદેશથી ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ ગામડાનાં લોકોમાં વેકસીનને લઈને અનેક ભ્રામક માન્યતાઓ હોવાથી રસીકરણમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. જિલ્લા કલેક્ટર પણ ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ ધીમું હોવાનું સ્વીકારી ચુક્યા છે. ત્યારે રાજકોટ તાલુકાના વડાળી ગામની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં આ ગામના 2500 પૈકી માત્ર 75 લોકોએ વેકસીન લીધી હોવાનું જાણવા મળ્યું છે. ગામના આગેવા પણ કહે છે કે, લોકો માતાજીની માનતા રાખે છે ! તેમજ તેઓને જાગૃત કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.

રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને વડાળીના આગેવાન નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમારા ગામની વસ્તી 2500ની છે તેની સામે અત્યાર સુધીમાં 65 જેટલા લોકો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી સાતથી આઠ જેટલા લોકોના કોરોનાના કારણે મૃત્યુ નિપજયા છે. આમ છતાં અત્યાર સુધીમાં માત્ર 75 જેટલા લોકોએ જ વેક્સિન મુકાવી છે. આ ગામના લોકો દેવી-દેવતાઓ પર પોતાની શ્રદ્ધાને લઈ વેકસીન મુકાવવા માટે સહમત થતા નથી. જરૂર પડ્યે તેઓ માતાજીની માનતા રાખે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આજે કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિનેશન એક જ ઉપાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમજ રાજકોટ જિલ્લા પંચાયત તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ગામના લોકો વેક્સિન મુકાવે તેવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજકોટ જિ. પંચાયતના પ્રમુખ બોદર તેમજ તેની ટીમ અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ લોકોમાં વેક્સિન અંગે જાગૃતતા આવે તે માટે અથાગ પ્રયાસો કરી ચૂકી છે. અને આ પ્રયાસોને કારણે જ 75 લોકોએ રસીકરણ કરાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 2500 પૈકી માત્ર 75 લોકો વેકસીન લે તેને ધારી સફળતા કહી શકાય નહીં. આ સિવાયનાં અનેક ગામોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે હાલ તો ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ગામના આગેવાનો તેમજ તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. પણ તેમાં ક્યારે અને કેટલી સફળતા મળશે તે કહેવું મુશ્કેલ છે. અને લોકોમાં આ જાગૃતતાનો અભાવ ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud