• અંકલેશ્વરના મોતાલી ગામે પતિએ પત્નીને સાઈનાઈડનું ઈન્જેક્શન આપી હત્યા કરી હોવાની એક મહિના બાદ FIR નોંધાઇ
  • એક મહિના પહેલા ઓરેન્જ હોસ્પિટલમાં પતિએ જ છાતીમાં દુખાવાની સાથે પત્નીને દાખલ કરી હતી
  • સામાન્ય છાતીમાં દુખાવા અને તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ઊર્મિલા બેનનું રાતે અચાનક મોત થતા ખાનગી હોસ્પિટલના તબીબે જ શંકાસ્પદ મોત ની શંકા સેવતા સાઈનાઇડ આપી પત્નીને મારી નાખી હોવાનો ઘટસ્ફોટ

WatchGujarat. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં પત્નીને મોતને ઘાટ ઉતારવા અત્યંત ઝેરી સાઈનાઇડનો ઉપયોગ કર્યો હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. એક મહિના પહેલા બનેલી ઘટનામાં મૃતકના ભાઈ અને ખાનગી તબીબે હત્યાની શંકા સેવ્યા બાદ પોસ્ટમોર્ટમ અને FSL માં સાયનાઇડ ઝેર આપી હત્યાને અંજામ અપાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામે આવેલી ગણેશ રેસિડેન્સીમાં રહેતા જીગ્નેશ પટેલ સારંગપુરની ઉર્મિલાબેન વસાવા સાથે 8 વર્ષથી પ્રેમલગ્ન (ફુલહાર) કરી લિવઈનમાં રહેતો હતો. દરમિયાન ગત 8 મી જુલાઈના રોજ જીગ્નેશ પટેલે તેના સાળા વિજય વસાવાને ફોન કરી જણાવ્યું હતું કે, તમારી બહેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે. જેને લઈને દવાખાને જવા રીક્ષામાં આવું છું તેમ જણાવી રીક્ષા લઈને સાળાને ત્યાં આવતા તેઓ ઈકો કાર લઈને ઓરેન્જ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેમને દાખલ કર્યા હતા. જોકે તબીબોએ કરેલા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. દરમિયાન અચાનક પુનઃ ઉર્મિલાબેનની તબિયત લથડી હતી. જે બાદ તેમનું મોત થયું હતું.

મૃતક ઉર્મીલાબેન
મૃતક ઉર્મીલાબેન

મહિલાનું અચાનક મોત થતાં ડોક્ટરો પણ અચરજમાં મુકાયા હતા. જેથી તબીબને તેમાં શંકા ગઈ હતી. મોતની ખબર સાંભળી હોસ્પિટલ આવેલ મૃતક મહિલાના ભાઈ વિજય તેમજ કાકાએ હોસ્પિટલના તબીબ ડૉ.પ્રતીક પટેલને પુછતાં પરિવાજનોએ બધું નોર્મલ હોવા છતાં મોત કેમ થયું?

જે બાદ જીગ્નેશ પટેલે પી.એમ. કરવાની ના પાડતા વિજય વસાવાને શંકા જતા તેવો શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદ આધારે પેનલ પી.એમ કરાવાયું હતું તેમજ ગ્લુકોઝ બોટલ અને મૃતક ઉર્મિલાબેનના વિશેરા લઈ તબીબી પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જેનો પી.એમ રિપોર્ટ આવતા ઉર્મિલાબેનનું મોત સાઇનાઇડ થી થયું હોવાનું બહાર આવતા અંતે શહેર પોલીસ દ્વારા મૃતક ઉર્મિલાબેનના ભાઈ વિજય વસાવાની ફરિયાદ આધારે મૃતકના પતિ જીગ્નેશ પટેલ વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

હત્યારો જીગ્નેશ પટેલ
હત્યારો જીગ્નેશ પટેલ

સાઈનાઇડ જીગ્નેશે ક્યાંથી કેવી રીતે મેળવ્યું તેની ધરપકડ બાદ થશે મોટો ખુલાસો

જીગ્નેશ ઝઘડિયાની જે કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તે UPL પોટેશિયમ અને સોડિયમ સાઈનાઇડનો ઉપયોગ તેના ઉત્પાદનમાં કરે છે. કંપનીમાંથી જીગ્નેશ ચોરીને સાઈનાઇડ લાવ્યો હશે કે બહારથી ખરીદ્યું હશે તેનું રહસ્ય ઘેરાયું છે. તેની ધરપકડ બાદ જ આ સાઈનાઇડ ક્યાંથી કેવી રીતે મેળવ્યું કે પોતાની કંપનીમાંથી ચોરી કરીને લાવ્યો તેનો ખુલાસો થઈ શકશે.

ઝઘડિયા UPL માં ઓપરેટર તરીકે ફરજ બજાવતો જીગ્નેશને અન્ય મહિલા સાથે સંબંધને લઈ હત્યા કરાઈ હોવાનો મૃતકના ભાઈનો આક્ષેપ

મૃતક ઊર્મિલાબેનના ભાઈ વિજય પટેલે જણાવ્યું હતું કે, જીગ્નેશ ઝઘડિયાની UPL કંપનીમાં ઓપરેટર હતો. જે અવાર નવાર તેની બહેનને માર મારતો અને ઝઘડો કરતો હતો. ઊર્મિલાના પેહલા લગ્નમાં 21 વર્ષનો દીકરો અને 18 વર્ષની દીકરી વિજય ભાઈ ના પરિવાર સાથે જ રહેતા હતા. જીગ્નેશ 2 વર્ષથી તેમની બહેનને ઘરે પણ મોકલતો ન હતો. તેના કોઈ અન્ય મહિલા સાથે સબંધ હોવાને લઇ ને જ મારી બહેનની હત્યા કરાઈ હોવાનું વધુમાં વિજય ભાઇ એ જણાવ્યું હતું.

પી.એમ. રિપોર્ટ આવતા હત્યાનો ગુનો દાખલ કરાયો

ઓરેન્જ હોસ્પિટલ ખાતે મહિલા મોત અંગે ગત મહિને એ.ડી. નોંધાઈ હતી. જેમાં મૃતકના ભાઈ દ્વારા હત્યા કરાઇ હોવાની ફરિયાદ આપી હતી. પી.એમ. રિપોર્ટ તેમજ બોટલમાં સાઇનાઇડ ટ્રેસીસ બહાર આવતા જ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીગ્નેશ પટેલની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા હવેની તપાસ એસ.ટી.એસ.સી સેલના ડી.વાય.એસ.પી એમ.પી. ભોજાણી ચલાવી રહ્યા છે.

રાજપીપળા ખાતે ઉર્મિલાબેનના પ્રથમ લગ્નમાં પણ પતિ ત્રાસ આપતો

ઉર્મિલા બેનના પ્રથમ લગ્ન રાજપીપલામાં કુમસ ખાતે શુક્લ ભાઈ જોડે થયા હતા. જે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી ઉર્મિલા બેન છોકરો અને છોકરી જોડે પિયરે સારંગપુર ગામ ખાતે પરત આવી ગયા હતા. જ્યાં તેને જીગ્નેશ પટેલ જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને બાળકો તેમના પિયર માં રહેતા હતા જોકે, બીજો પતિ જીગ્નેશ પણ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud