• વિશ્વ પર્યાવરણ દિવસથી 3 અને 4 ભાગનો પ્રારંભ 10,000 વૃક્ષોના લક્ષ્યાંક સાથે પક્ષીઓનું આશ્રયસ્થાન બનાવવાની નેમ
  • 4.5 KM માં ઉભું થનાર વન એ ભરૂચ જિલ્લાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગ્રીન હટ સહિતની સુવિધાઓ ઉભી કરાશે
  • ઓછી જગ્યામાં વધુ વૃક્ષો વાવવાની મિયા વાંકી પદ્ધતિ હેઠળ 1800 જેટલા વૃક્ષોની પણ વાવણી
  • ભરૂચ સિટીઝન કાઉન્સિલ, સામાજિક વનીકરણ વિભાગ તથા GPCB દ્વારા વૃક્ષારોપણ કરાયું

WatchGujarat. ભરૂચ-અંકલેશ્વર રેલવે ટ્રેક અને જૂના NH-8 વચ્ચે વર્ષ 2019 થી 4.5 KM માં હાથ ધરાયેલા રેવા અરણ્ય પ્રોજેકટ હેઠળ પ્રથમ 2 ભાગમાં રોપેલા 6500 વૃક્ષો પૈકી હાલ 5000 થી વધુ ઉછરી ગયા છે. વિશ્વ પર્યાવરણ દિવસથી 3 અને 4 ભાગની શરૂઆત સાથે 10,000 વૃક્ષો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રેવા અરણ્યને પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરાઈ છે.

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજથી ગડખોલ પાટિયા સુધી જુના નેશનલ હાઇવે નંબર 8 અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યામાં 4.5 KM સુધીના વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભું કરવાની શરૂઆત કરવામાં આવી છે.

પક્ષીઓનું આશ્રયસ્થાન બની રહે તેવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત ભાગ 1 અને 2 માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં હાલ સુધીમાં 6500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે પૈકી 5000 થી વધુ વૃક્ષો ઉછરી ગયા છે.

શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ જીલ્લાના વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓ દ્વારા CSR અંતર્ગત આ પ્રોજેક્ટને સહાય કરવામાં આવી છે. રેવા અરણ્યના ભાગ 3 અને 4 નો શુભારંભ જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયા, ભરૂચ વર્તુળના વન સંરક્ષક ડો. કે. શશીકુમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, GPCB ના રીજીયોનલ ઓફિસર અર.આર.વ્યાસ, ભરૂચના રીજીયોનલ ઓફિસર ફાલ્ગુન મોદી, પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, રેવા અરણ્ય પ્રોજેક્ટના મોહમદભાઈ, નીતિન ભટ્ટ, કિરણભાઈ  આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

પર્યાવરણની જાળવણી થાય અને વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી નેમ આ તબક્કે લેવામાં આવી હતી. રેવા અરણ્યમાં ખાસ કરીને પક્ષીઓ આવીને વસવાટ કરી શકે તેવા દેશી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને લીમડો, ગરમાળો, ગુંદા, અરડુસો, કાસિદ, પીપળો, મહુડો, આમલા, આંબા, બીલી, ગુલમહોર, જામફળ સહિતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ત્રીજા અને ચોથા તબક્કામાં 10000 વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે.

રેવા અરણ્ય ખાતે મિયા વાંકી પદ્ધતિ કે જે ઓછી જગ્યામાં વધુ વૃક્ષો વાવવા માટેની પદ્ધતિ છે તે અન્વાય્રે 1800 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે હાલ ગ્રોથ કરી રહ્યા છે. રેવા અરણ્ય પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2019 માં કરવામાં આવી હતી. તબક્કાવાર આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. 4.5 કિમી સુધીમાં ઉભું થનાર વન એ જિલ્લાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમાં સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગ્રીન હટ સહિતની સુવિધાઓ પણ ઉભી કરવાનું આયોજન છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud