• રાજકોટમાં એપ્રિલ 2020 અને મેં 2020ની વાત કરીએ તો આ બે મહિનામાં માત્ર 2,069 મોત નોંધાઇ હતી.
  • ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 17,802 લોકોના અવસાનની નોંધણી મહાનગરપાલિકામાં થઇ છે.
  • વર્ષ 2021નાં જાન્યુઆરી મહિનામાં 1,559 લોકોના મૃત્યુની નોંધણી થઈ છે.


WatchGujarat. કોરોનાની બીજી લહેર હાલ શાંત થઈ છે. પરંતુ પાછલા બે મહિનામાં આ લહેરે વેરેલા વિનાશનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં માત્ર બે મહિનામાં જ ગતવર્ષની સરખામણીએ 11 ગણા વધુ 13,623 લોકોનાં મોત નિપજ્યા છે. જો કે આ બધા મોત કોરોનાને કારણે નહીં પણ વિવિધ બીમારીઓને કારણે થયા હોવાનું સામે આવ્યું છે. મનપાનાં જન્મ- મરણ વિભાગમાં એપ્રિલ અને મેં એમ માત્ર બે માસમાં જ 13,623 લોકોનાં મોતની સત્તાવાર નોંધ થઈ છે.

એપ્રિલ 2020 અને મેં 2020ની વાત કરીએ તો આ બે મહિનામાં માત્ર 2,069 મોતની નોંધ થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 17,802 લોકોના અવસાનની નોંધણી મહાનગરપાલિકામાં થઇ છે. જ્યારે ગત વર્ષે જાન્યુઆરીથી મેં મહિના સુધીમાં માત્ર 6,280 લોકોના મોતની નોંધ થઈ હતી. ત્યારે 5 મહિનાની એવરેજ જોવા જોઈએ તો પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોતની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.

વર્ષ 021નાં જાન્યુઆરી મહિનામાં 1,559 લોકોના મૃત્યુની નોંધણી થઈ છે. જેમાં 924 પુરુષો અને 635 મહિલાઓ છે. તો ફેબ્રુઆરીમાં 1250 લોકોના મૃત્યુની નોંધણીમાં 782 પુરુષો અને 468 મહિલાઓ છે. માર્ચ મહિનામાં 1370 લોકોના મૃત્યુની નોંધ છે. જેમાં પણ 821 પુરુષો અને 549 સ્ત્રીઓ સામેલ છે. તો એપ્રિલ મહિનામાં 4,475 લોકોના મૃત્યુની નોંધમાં કુલ 2,421 પુરુષોના અને 2,034 સ્ત્રીઓના મૃત્યુની નોધણી થઈ છે. મેં મહિનામાં 9,148 લોકોના મૃત્યુની નોંધણી થઈ છે. જેમાં 5,244 પુરુષો અને 3,904 સ્ત્રીઓના મોત થયા છે.

ગતવર્ષ 2020ની વાત કરવામાં આવે તો જાન્યુઆરીમાં 1,641, ફેબ્રુઆરીમાં 1,311, માર્ચમાં 1,259 એપ્રિલ મહિનામાં 1,014 અને મે મહિનામાં 1,055 લોકોના મોતની નોંધ થઈ હતી. આમ દર વર્ષે આશરે 18,000 જેટલા લોકોનાં મોતની નોંધ થતી હોય છે. જોકે ચાલુ વર્ષે માત્ર પ્રથમ પાંચ મહિનામાં જ 17 હજારથી વધુ લોકોના મોતની નોંધ થઈ છે. અને આ સમયગાળામાં શહેરનાં લોકોએ અગાઉ ક્યારેય નહીં જોયેલા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેમાં સ્મશાનની બહાર મોટી-મોટી લાઈનો લાગી હતી. ત્યારે હવે જન્મ મરણના કચેરીની બહાર મરણનાં દાખલા લેવા લોકોની લાંબી લાઈનો જોવા મળે છે.

જન્મ-મરણ વિભાગના અધિક્ષક પ્રેરિત જોશીએ કહ્યું હતું કે, રાજકોટમાં અમારે એવરેજ મહિનાના 1,500 લોકોના મોતની નોંધણી થતી હોય છે. પરંતુ એપ્રિલ-મે માસમાં સૌથી વધુ લોકોના મોતની નોંધણી થઈ છે. આ દરમિયાન એપ્રિલમાં 4,475 લોકોના અને મે મહિનામાં 9,200 જેટલા મોતની નોંધણી થઈ છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. જ્યારે હાલ જકોટમાં ત્રણ જગ્યાએ દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. જેમાં ઇસ્ટઝોન, વેસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોન ખાતે દાખલા આપવામાં આવી રહ્યા છે. તેમજ જે-તે કચેરી ખાતે આ દાખલામાં સુધારા વધારા પણ કરી શકાય છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, જન્મ અને મરણ નોંધણી અધિનિયમ-1969ની કલમ નંબર -17 (ખ) મુજબ મરણનું કારણ પ્રદર્શિત કરવાની મનાઈ હોય છે. જ્યારે અરજદાર ફોર્મ ભરે છે તે ફોર્મમાં કેવી રીતે મૃત્યુ થયું છે તે લખવાનું હોય છે. પરંતુ અમે આ અંગેનું પ્રમાણપત્ર આપીએ છીએ ત્યારે તેમાં અમે જે તે અરજદારના ફેમિલી મેમ્બર્સનું મૃત્યુ કેવી રીતે થયું તે પ્રસિદ્ધ કરતા નથી. જોકે આ બે મહિનામાં કામનું ભારણ ખૂબ વધી ગયું હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud