• 359 વૃક્ષો ધરાશયી, 385 કાચા મકાનો અને ઝુંપડા સાથે 5 સરકારી ઇમારતોને નુકશાન
  • 3 તાલુકાના 3756 લોકો હજી આશ્રય સ્થાનોમાં સલામત સ્થળે
  • ભરૂચ, અંકલેશ્વર, વાગરા, હાંસોટ, જંબુસર, આમોદ, પાલેજમાં અંધારા ઉલેચવા વીજ કંપનીના 300 કર્મીઓ કામે લાગ્યા
  • DGVCL ના 218 પોલ અને 44 KM લાઈન તૂટી પડતા ₹23 લાખનું નુકશાન
  • 105 અગરોમાં મીઠાનું વ્યાપક ધોવાણ

WatchGujarat. તૌકતે વાવાઝોડું ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે સોમવારે રાતથી તેની વિનાશક તાકત બતાવવાની શરૂ કર્યા બાદ મંગળવારે સાંજે 17.30 કલાકે શાંત પડ્યું હતું. જિલ્લામાં ભરૂચ, હાંસોટમાં 3.5 ઇંચ, વાગરામાં 3 ઇંચ અને અન્ય 6 તાલુકામાં 1 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દહેજ બંદર ભયમાંથી મુક્ત થતાં 9 નંબરનુ ગ્રેટ ડેન્જર સિગ્નલ હટાવી 3નંબરનુ સિગ્નલ લગાડવમાં આવ્યું છે.

અરબી સમુદ્રનો 122 કિલોમીટરનો દરિયા કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લાને તૌકતે વાવાઝોડાના તરખાટે સોમવારે મોડી રાતથી ધમરોળવાનું શરૂ કર્યું હતું. દરિયા કાંઠે 110 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાતા કેટલાય વૃક્ષો જમીન દોસ્ત થયા હતા.

વાવાઝોડા સાથે વરસાદે કાચા મકાનો, ઝુંપડા, પતરા, નળીયા, વીજ થાંભલાઓને ખેદાન મેદાન કરી દીધા હતા. વૃક્ષો, વીજ પોલ પડવાના કારણે મકાનો, વાહનોને પણ મોટા પાયે નુકશાન થયું હતું. ડિઝાસ્ટરમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં વાવાઝોડાથી 359 વૃક્ષો ધરાશયી થયા છે. તૌકતે 5 સરકારી ઇમારતો સાથે 385 કાચા મકાનો અને ઝૂંપડાને નુકશાન પોહચાડ્યું છે.

જ્યારે ખેતરમાં રહેલા ઉભા પાકનો વાવાઝોડા અને કમોસમી વરસાદે દાત વાળી દીધો હતો. જિલ્લાના 105 જેટલા મીઠાના અગરમાં પણ મીઠાનું વ્યાપક ધોવાણ થયું છે. ખેતી અને અગરમાં નુક્શાનીનો આંક તો સર્વે બાદ જ બહાર આવશે. જિલ્લામાં 17.30 કલાક સુધી તૌકતેના  તરખાટથી વીજ કંપનીના 218 પોલ ભોંય ભેગા થયા હતા. સાથે 44 કિમી લાઈન તૂટી પડી હતી. DGVCL ભરૂચને વાવાઝોડાને કારણે ₹23 લાખનું નુકશાન થયું હોવાનું SE કેદારીયા એ જણાવ્યું હતું.

ભરૂચ, અંકલેશ્વર, વાગરા, આમોદ, જંબુસર, પાલેજમાં ઠપ થયેલો વીજ પુરવઠો પુન કાર્યાન્વિત કરવા 300 કર્મચારીઓ સાંજથી કામે લાગી ગયા છે. અત્યાર સુધી 175 જમીનદોસ્ત થયેલા થાંભલા ઉભા કરી દેવાયા છે. 66 ની કામગીરી ચાલુ છે. શહેરો સહિત 65 ગામોમાં બ્લેક આઉટ દૂર કરવા વીજ ગતિએ કામગીરી ચાલી રહી છે.

ભરૂચ જિલ્લામાં 17.30 કલાકમાં ભરૂચ, હાંસોટ તાલુકામાં 3.5 ઇંચ, વાગરામાં 3, અંકલેશ્વરમાં 2, વાલિયા, આમોદ, જબુસરમાં 1.5 ઇંચ, નેટર્નગમાં 1 ઇંચ અને ઝઘડિયામાં અડધો ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. વાલિયાના કોસમડી ગામે વૃક્ષ પડતા ભેંસ અને પાડીનું મૃત્યુ થયું છે. અન્ય કોઈ માનવ જાનહાનિ કે નુકશાની થઈ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud