• રાજુલાના તવક્કલ નગર ખાતે મોડી રાત્રે બનેલી ઘટના
  • સ્થાનિકોએ દોડી આવી ફયાલા પરિવારને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો પણ બાળકી ના બચી શકી

WatchGujarat. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સીમનાથ, જૂનાગઢ તેમજ રાજકોટ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાની અસરો જોવા મળી છે. ત્યારે અમરેલીના રાજુલામાં વાવાઝોડાએ તબાહી સર્જી છે. જેમાં અમરેલી, રાજુલા અને ખાંભામાં 5 ઇંચ વરસાદ નોંધાતા ઠેરઠેર વિનાશ સર્જાયો છે. આ દરમિયાન એક ઘરની દિવાલ તૂટી પડતા પરિવારનાં તમામ સભ્યો આ દિવાલ હેઠળ દટાઈ ગયા હતા. જેમાં ગંભીર ઇજાને પગલે એક માસુમ બાળકીનુ મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજુલાના તવક્કલ નગર ખાતે મોડીરાત્રે 12:30 વાગ્યાનાં અરસામાં વાવાઝોડાના કારણે એક ઘરની દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. ઘટનાને લઈ પરિવારના મોભી તેમજ સ્થાનિકોએ દરવાજો તોડીને ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. જેમાં પતિ-પત્ની અને એક બાળકી બચાવી લેવાઈ હતી. તો અન્ય એક બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજુલામાં હિંડોરણા રોડ પરનાં 5 પેટ્રોલપંપને મોટું નુકસાન થયું છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશાયી થતા ડીઝલ પેટ્રોલનુ વેચાણ પણ બંધ કરાયું છે. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલ પંપમાં પણ નુકસાન થયું છે. સાથે જ હિંડોરણા રોડ પર આવેલ મારુતિ શો રૂમના કાચ ફૂટયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડાએ તબાહી મચાવી હતી. જેમાં યાર્ડના છાપરા અને વૃક્ષો તૂટતા ખેડૂતોના માલને વ્યાપક નુકસાન થયું છે. હોટલ કોહિનૂર અને હોટલ રાજમંદિરને પણ નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. શહેરના મુખ્ય માર્ગો પણ વૃક્ષો ધરાશાયી થવાના કારણે બંધ કરાયા છે. ગોકુલનગર વિસ્તારમાં હિંડોરણા રોડ પર પાર્કિંગ કરેલી કારો પર વૃક્ષો પડતા ભારે નુકસાન થયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud