• જામ્બુવા સ્થિત વુડાના મકાનમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ
  • રિક્ષામાંથી ઉતરેલા યુવક પર ત્રણ શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી
  • રિક્ષા ચાલક અને મહિલા વચ્ચે ગત શનિવારે બોલાચાલી થઇ હતી.
  • જૂના ઝગડાની રીસ રાખી બે સગા ભાઇઓ સહીત અન્ય એક શખ્સે મળી મનોજ પરમારની હત્યા કરી નાખી

WatchGujarat જામ્બુવા સ્થિત વુડાના મકાનમાં મોડી રાત્રે બે સગા ભાઇ અને સબંધીએ મળીને એક યુવકની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રૂપિયાની લેતી દેતીનો મામલો અને ત્યારબાદ જૂના ઝગડાની અદાવતે યુવકની હત્યા કરાઇ હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

 

બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના છેવાડે આવેલા જામ્બુવા જી.ઇ.બી સબ સ્ટેશન પાસેના વુડાના મકાનમાં રહેતા 35 વર્ષીય મનોજ પરમાર રિક્ષા ચલાવવાની સાથે રૂપિયા ઉઘરાવી વીસી ચલાવવાનુ કામ પણ કરતો હતો. જેથી નજીકમાં રહેતા અનેક લોકો વીસી માટે તેને રૂપિયા આપતાં હતા. દરમિયાન થોડા દિવસો પહેલા નજીકમાં રહેતા કવિતાબહેનને (નામ બદલ્યુ છે) રૂ. 12 હજારની વીસી લાગી હતી. જેથી તેણીને મનોજએ રૂપિયા 8 હજાર ચુંકવી બાકીની રકમ પછી આપવા માટે જણાવ્યું હતુ. જોકે કવિતાબહેન બાકીના રૂપિયા લેવા માટે બીજા જ દિવસે મનોજના ઘરે પહોંચી હતી. જેથી ઉશ્કેરાયેલા મનોજે કડક શબ્દો બોલી બાકીના રૂ. 4 હજાર પણ કવિતાબહેનને ચુંકવી દીધા હતા.

મનોજ પરિવારનુ ગુજરાન ચલાવવા માટે રિક્ષા પણ ચલાવતો હતો અને તેના જ વિસ્તારની ઘર કામ કરતી કેટલીક મહિલાઓ મનોજની રિક્ષામાં અવર જવર કરતી હતી. તેવામાં ગત શનિવારના રોજ મનોજે કવિતાબહેનને રિક્ષામાં બેસાડવાની ના પાડી દીધી હતી. પરંતુ બપોરના સમયે મકરપુરા રોડ પર આવેલા આકાશવાણી નજીક કવિતાબહેન અને મનોજ મળતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં મનોજએ કવિતાબહેનને લાફા ઝીંકી દીધા હતા. જે બાબત તેમના પુત્રોને ખબર પડતા મનોજ સુરત ખાતે તેની બહેનના ઘરે જતો રહ્યો હતો.

પરંતુ મંગળવારે મોડી રાત્રે મનોજ સુરતથી પરત વડોદરા આવ્યો હતો અને રિક્ષામાં બેસી જામ્બુવા સ્થિત પોતાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં હુમલાખોર ગણેશ ઉર્ફે કાલુ રઇજીભાઇ પરમાર, સંજય રઇજીભાઇ પરમાર અને રૂતવિક શાંતિલાલ પરમારે ભેગા મળી મનોજના ગળાના ભાગે ઉપરા છાપરી પાંચથી સાત ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. મનોજની ચીસો સાંભળી આસપાસમાં રહેતા લોકો દોડીને આવી જતા હત્યારાઓ નાસી છુટ્યાં હતા. લોહીમાં લથબથ મનોજને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવને પગલે મકરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ત્રણેય હત્યારાઓ પોલીસની હાથ વેંત હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud