• 19 વર્ષીય દિપ્તી (નામ બદલ્યું છે) પર 8 જૂનના રોજ તેના જ બે મિત્રોએ દારૂ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો.
  • 9 મહિનાથી અલગ રહેતી દિપ્તી અચાનક ઘરે 8 જૂનની રાત્રે ઘરે આવી પહોંચી
  • દિપ્તીએ પોતાની આપવીતી પરિવારને જણાવી પણ સમાજની ચિંતાએ બળાત્કારની બાબત બહાર ન આવી હતી.
  • પોલીસ અધિકારીને તપાસ દરમિયાન એક કડી મળી અને સમગ્ર હકીકત બહાર આવી
(19 વર્ષી માસૂમ પર બળાત્કાર ગુજારનાર દિશાંત કહાર અને નાઝિમ મિર્ઝા)

WatchGujarat. સામાન્ય રીતે આપઘાતના ગુનાઓમાં પોલીસ દ્વારા એ.ડી (એક્સીડેન્ટલ ડેથ) નોંધી તેની તપાસ કરવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં હકીકત બહાર આવતી નથી અને મૃતકને ન્યાય પણ મળતો નથી. પરંતુ 19 વર્ષીય કબડ્ડી પ્લેયર યુવતિના આપઘાતના બનાવની તપાસ કરી રહેલા અધિકારીને એક કડી એવી મળી જેના કારણે સમગ્ર હકીકત બહાર આવતા બે નરાધમો જેલના સળીયા ગણતા થયા છે.

19 વર્ષીય દિપ્તી રાજ્ય કક્ષાએ કબડ્ડી રમતી હતી. દિપ્તીને તેના પિતા સાથે અનબનાવ થતાં તેણીએ અલગ રહીં જીવન જીવવાનુ નક્કી કર્યું હતુ. દિપ્તી ગત સપ્ટેમ્બર 2020થી સુભાનપુરા સ્થિત પી.જીમાં રહીં કોજેન્ટ કોલ સેન્ટરમાં કામ કરી પોતાનુ જીવન ગુજારી રહીં હતી. દરમિયાન ગત ડીસેમ્બર માસમાં દિપ્તીની માતાનુ બિમારીના કારણે મોત નિપજ્યું હતુ. જેથી હવે ઘરની એક એક દિકરી પર પરિવારનુ ભારણ આવ્યું હતુ. દિપ્તીના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને ઘરમાં હવે તેના દાદા-દાદી હતા.

8 જૂનના રોજ દિપ્તીના સહકર્મી દિશાંત દિપકભાઇ કહાર (રહે. શિવમ એપાર્ટમેન્ટ, કેવડાબાગ નવાપુરા) અને નાઝીમ ઇસ્માઇલ મિર્ઝા (રહે. ભાંડવાડા, ફતેપુરા) બન્ને સાંજના સમયે દારૂની મહેફીલ માણવા પહોંચ્યા હતા. આ બન્ને સાંજના સમયે પોતાની સાથે દારૂની બોટલ લઇને દિપ્તીના રૂમ પર પહોંચ્યાં હતા. જ્યાં તેમણે દિપ્તી સાથે દારૂની મહેફીલ માણી બાદમાં બેરહેમીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.

સાંજે 7:30 વાગ્યાની આસપાસ દિપ્તીનો બોયફ્રેન્ડ તેના રૂમ પર પહોંચ્યો હતો. જ્યાં નશામાં ધુત દિશાંત, નાઝિમ અને પીડાતી હાલતમાં દિપ્તીને જોઇ તે ચોંકી ઉઠ્યો હતો. દિપ્તીનો બોયફ્રેન્ડ આવી પહોંચતા નાઝિમ અને દિશાંત ત્યાંથી નિકળી ગયા હતા. દરમિયાન સમગ્ર ઘટના જાણ્યા બાદ દિપ્તીના બોયફ્રેન્ડે ફોન કરી તેણીના પિતાને જાણ કરતા તેઓ દિપ્તીના રૂમ પર આવી પહોંચ્યાં હતા. સમાજમાં બદનામીની ચિંતા સતત સતાવતી હોવાથી પિતા ચુપચુપા દિકરીને લઇને ઘરે પહોંચી ગયા હતા. પરંતુ તેમણે ક્યાં જાણ હતી કે, પિતાની આ ચુપ્પી દિકરી ગુમાવી દેશે.

10 જૂનના રોજ સવારે દિપ્તી ઘરમાં તેના દાદા-દાદી સાથે હતી અને પિતા નોકરી પર ગયા હતા. આઘાતમાં સરી ગયેલી દિપ્તીને કંઇ સુજતુ ન હતુ તેવામાં તેણીએ એક 8 મીનીટનો ઓડિયો બનાવ્યો અને સ્યૂસાઇડ નોટ લખી જીવનનો અંત લાવી દીધો હતો. ઘટનાની જાણ થતાં પિતા પણ ઘરે દોડી આવ્યાં હતા. દિકરીનો જીવ બચાવવા પિતા હોસ્પિટલ લઇને પહોંચ્યાં પણ ત્યાં સુધી તો દિપ્તીએ પ્રાણ છોડી દીધા હતા.

ઘટનાની જાણ લક્ષ્મીપુરા પોલીસને થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સામાન્ય તપાસ હાથ ધરી હતી. પરંતુ બનાવની તપાસ કરી રહેલી પોલીસ ઇન્સપેકટર રાજેશ કાનમીયાને જાણવા મળ્યુ કે, મૃતક દિપ્તી ગત સપ્ટેમ્બર 2020થી તેના પરિવારથી અલગ રહીં નોકરી કરતી હતી અને બે દિવસ પહેલા જ એટલે કે, 8 જૂનની મોડી રાત્રે જ તે અચાનક ઘરે પરત આવી હતી. આ જાણકારી પોલીસ અધિકારીને સતત સતાવી રહીં હતી. જેથી તેમણે મૃતદેહના જરૂરી પરિક્ષણ માટે તબીબી મદદ લેવાનુ નક્કી કર્યું હતુ. તબીબી પરિક્ષણમાં મૃતદેહ પરથી વીર્યાના નમૂના મળતા આપઘાતના બનાવમાં એક નવો વળાંક આવ્યો.

હવે પી.આઇ રાજેશ કાનમીય સામે યુવતિના આપઘાતનો નહીં બળાત્કારની ગુથ્થી સુલજાવવાનો પ્રશ્નો હતો. જેથી આ મામલે સૌ પ્રથમ મૃતક યુવતિના પિતાની પુછપરછ કરવામાં આવી અને તેમાં ચુપ્પી તોડતા 19 વર્ષીય માસૂમ પર બળાત્કાર ગુજારનાર નરાધમોને પકડી લેવામાં આવ્યાં છે. જો પોલીસ અધિકારીએ આ સતર્કતા ન દાખવી હોત તો આજે પણ કદાચ દિપ્તીને ન્યાય ન મળ્યો હોત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud