• ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટેનો ICU વોર્ડ પણ હાઉસફુલ
  • ઊંચી ઓળખાણ હોય અને લાગવગથી મળી શકે છે ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર !!
  • શહેરના પ્રથમ નાગરિક કેયુર રોકડીયા કોરોના સંક્રમિત થતાં ખાનગી હોસ્પિટલમાં થયા દાખલ
  • મેયર કેયુર રોકડીયાને નામંકિત હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમ ન મળતા ટ્વીન્સ રૂમમાં સારવાર લેવી પડી

ચિંતન શ્રીપાલી. શહેરમાં કોરોના કેસોનુ વર્ષ 2020ની જેમ પુનરાવર્તન થઇ રહ્યું છે. તંત્ર દ્વારા દાવો છે કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે પુરતી બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોવામાં આવે તો વડોદરાની નામંકિત ખાનગી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલોમાં દર્દીઓનુ વેઇટીંગ ચાલી રહ્યું છે. મહત્વની બાબત તો એ છે કે, શહેરના મેયર કોરોના પોઝિટીવ થતાં તેમણે સરકારી હોસ્પિટલ ઉપર ભરોસો ના મૂકી નામંકિત ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યાં તેઓને પણ પ્રાઇવેટ રૂમ ઉપલબ્ધ થયો ન હતો. જો શહેરના પ્રથમ નાગરિકને ખાનગી હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમ ના મળતો હોય તો સામાન્ય વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેને શુ ભોગવવાનો વારો આવતો હશે તેનો અંદાજો લગાવી શકાય છે.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ સ્વીકાર્યુ છે કે, ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. વર્ષ 2020ની પરિસ્થિતિ સાથે આજની સ્થિતિની સરખામણી કરવામાં આવે તો, તો ખુબ જ નાજૂક છે તેવુ કહેવામાં સહેજ પણ ખોટુ નથી, ગત વર્ષે કોરોના વાઇરસ દરેક માટે એક નવી બિમારી હતી. પરંતુ ભારતે કોરોનાની વેક્સિનની શોધ કરતા સમગ્ર વિશ્વએ રાહત અનુભવી છે. કોરોના વેક્સિનની શોધ થતાં આપણે સૌ નિશ્ચિંત થઇ ગયા હતા. જોકે કોરોનાનો હજી અંત આવ્યો નથી. તે પણ આપણે સમજવાની જરૂર છે.

તેવામાં સરકાર અને તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ વાસત્વિક સ્થિતિ કંઇક જૂદી છે. શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા સરકારી આકંળા કરતા ખુબ વેગળી છે. કોરોના સંક્રમિત થતા કેટલાક દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનુ પસંદ નથી કરતા, જેથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તેની રાહ જોઇ રહ્યાં છે. પરંતુ શહેરની નામંકિત ખાનગી હોસ્પિટલોના ICU  વોર્ડ તો ઠીક સ્પેશ્યલ અને સેમી સ્પેશ્યલ રૂમ તથા જનરલ વોર્ડમાં પણ જગ્યા મળવી મુશ્કેલ છે.

આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે શહેરના પ્રથમ નાગરિક કેયુર રોકડીયા પણ કોરોના સંક્રમિત થયા છે. સરકારી હોસ્પિટલમાં સારવાર  લેવી કે ખાનગીમાં તે એમનો વ્યક્તિગત વિષય છે. મેયર કેયુર રોકડીયા કોરોના સંક્રમિત થતા તેમણે શહેરની નામંકિત હોસ્પિટલમાં સારવાર લેવાનુ નક્કી કર્યું, જ્યાં તેમને એડમીટ તો કરી દેવામાં આવ્યાં. પરંતુ આખો દિવસ તેઓને પ્રાઇવેટ રૂમ માટે રાહ જોવી પડી હતી. કોરોના સંક્રમિત થતાં કેયુર રોકડીયા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેઓને ટ્વીન્સ બેડ ધરાવતા રૂમમાં સારવાર આપવામાં આવી હતી. (ટ્વીન્સ બેડ એટલે કે, એક રૂમમાં બે દર્દીઓને સારવાર આપવામાં આવે )

શહેરમાં વણસી રહેલી કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે મેયરને ખાનગી હોસ્પિટલમાં રૂમ ઉપલબ્ધ ન થતો હોય, તો સામાન્ય વ્યક્તિને ક્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળી શકે ?  હાલની પરિસ્થિતિને જોતા કોરોના સંક્રમિત થનાર વ્યક્તિ જો વગ, રૂપિયા અને મોટી ઓળખાણ ધરાવતુ હોય તો તેને ખાનગી હોસ્પિટલમાં રૂમ મળી શકે છે, તેવુ કહેવુ સહેજ પણ ખોટુ નથી. પરંતુ જો કોઇ મધ્યમ વર્ગીય વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ઇચ્છે તો તેની માટે 24 કલાક કરતા વધારે સમયનુ વેઇટીંગ ચાલી રહ્યું છે.  જે વડોદરા શહેરની વાસ્તવિક પરિસ્થિતિ છે અને તંત્ર તેમજ સરકારે સ્વીકારવાની જરૂર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud