• ગત રોજ લેરીયા ગામે આપના ટોચના નેતાઓની કાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો
  • કાળા વાવટા લઈને ઉભેલા અજાણ્યા શખ્સોએ નારા બોલાવી લાકડી અને પાઈપો વડે સીધો હુમલો શરૂ કર્યો
  • ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું
  • જૂનાગઢની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું હતું કે જો ઈસુદાન અને મહેશભાઈ પર હુમલા થઈ રહ્યા હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી

Watchgujarat. વિસાવદરનાં લેરિયા ગામે ‘આપ’ નેતાઓ પર થયેલા હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. અને મોડીરાત્રે આમ આદમી પાર્ટીનાં 200થી વધુ કાર્યકારોનું ટોળું વિસાવદર પોલીસ મથક ખાતે પહોંચ્યું હતું. તેમજ હુમલા વખતે પોલીસ મૂક પ્રેક્ષક કેમ બની ? ઉપરાંત હુમલાખોરો ન પકડાય ત્યાં સુધી રામધુન બોલાવવાનો નિર્ણય કરાયો હતો. પ્રાથમિક તપાસમાં હુમલો કરનારા લેરિયા ગામના નહીં પરંતુ કોઈ અજાણ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજીતરફ દિલ્હીનાં મુખ્યમંત્રી અને પાર્ટીનાં સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરેલી વાતચીત અંગે જાણકારી આપી હતી.

જૂનાગઢની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું હતું કે જો ઈસુદાન અને મહેશભાઈ પર હુમલા થઈ રહ્યા હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ હિંસા તમારી હાર છે. લોકોને સારી સુવિધા આપીને તેમના દિલ જીતવાના કામ કરો, વિપક્ષ પર આ પ્રકારે હુમલાઓ કરીને ડરાવશો નહીં. અમારા કાર્યકરો આવી બાબતોથી ડરે તેમ નથી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું હતું કે, હાલ મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને FIR દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.

જાણો શું હતો સમગ્ર મામલો

આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રાની 5 જેટલી ગાડીઓનો કાફલો લેરીયા ગામે આયોજિત કાર્યક્રમના સ્થળના ગેટ પાસે પહોંચ્યો ત્યારે અગાઉથી પ્રિપ્લાનિંગ મુજબ 15થી 20 જેટલા ગળામાં કેસરી પટ્ટા પહેરેલા લોકો કાળા વાવટા લઈને ઊભા હતા. જેવી કાફલાની પ્રથમ ગાડી ઊભી રહી ત્યાં કાળા વાવટા લઈને ઉભેલા અજાણ્યા શખ્સોએ નારા બોલાવી લાકડી અને પાઈપો વડે સીધો હુમલો શરૂ કર્યો હતો. ગાડીઓના કાફલામાં એક ગાડીમાં આમ આદમી પાર્ટીના નવનિયુક્ત નેતા મહેશભાઈ સવાણી, પ્રવિણ રામ અને ઇસુદાન ભાઈ ગઢવી હતા.

હુમલાખોરોએ આ ગાડીને નિશાન બનાવી તેમને ઇજા પહોંચાડવા માટે ગાડીના કાચને પથ્થરો અને લાકડીઓ વડે તોડી નાખ્યા હતા. જેમાં ત્રણે નેતાઓએ સતર્કતા દાખવતા તેમનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિઓ લેરિયા ગામ ના ન હતા પરંતુ કોઇ અજાણ્યા હતા. જો કે ઘટનાસ્થળ પાસે પોલીસની એક ગાડી ઊભી હોવા છતાં પણ જ્યારે આ મારામારીની ઘટના ચાલી રહી હતી. ત્યારે પોલીસે દખલગીરી કરવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની રહી હોવાનું ઘટનાસ્થળ પર હાજર આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. આ હુમલામાં પાર્ટીના બે કાર્યકર્તાઓ વધારે ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud