• વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ કરતા આપને ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે
  • ગતરોજ પાર્ટીના ટોચના નેતાઓ પર હુમલો થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું
  • સમગ્ર હિંસક ઘટના ક્રમ અંગે દિલ્હીના મુખ્યમંત્રીથી લઇને ગુજરાત આપના નેતાઓ દ્વારા તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી

Watchgujarat. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદથી જ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે ત્યારે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર હુમલાની ઘટના સામે આવી છે. જે આપ ગુજરાતના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર જૂનાગઢના વિસાવદર તાલુકામાં હુમલાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાન ઈસુદાન ગઢવી (isudan gadhvi), મહેશ સવાણી (mahesh savani) સહિતના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગાડીઓમાં તોડફોડ કરાઈ છે અને બે લોકોને ઈજાગ્રસ્ત કરાયા છે. આ હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો.  હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ”કાર્યકર્તાઓને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો છે. કાયદો અને વ્યવસ્થાની ખૂબ જ ગંભીર સ્થિતિ ગુજરાતમાં છે. ભાજપ પ્રેરિત ગુંડાઓએ જે રીતે હુમલા કર્યા છે તે બાદ પરિસ્થિતિ ગંભીર છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવ્યા છે.”

આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ અંગે ટ્વીટ કરીને તેને વખોડ્યો છે તેમજ હુમલાખોરો સામે પગલા લેવા કહ્યુ છે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ આ હુમલા વિશે કહ્યું કે, ‘ઈશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર હુમલો થાય છે તો ગુજરાતમાં કોઈ જ સુરક્ષિત નથી. સાથે જ તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ હિંસા તમારો ગભરાટ છે, તમારી હાર છે. લોકોને સારી સગવડ દઈને તેનું દિલ જીતો, વિપક્ષ પર હુમલો કરીને તેમને ડરાવો નહીં. આ લોકો ડરવાના નથી.

મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.  ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો કર્યો હતો.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે.

જો કે, સુરતના જાણીતા ઉદ્યોગપતિ  મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં સવાણી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણીને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud