• રાજપીપળા પાલિકા ચૂંટણીમાં પૈસા લઈ ટીકીટ અપાઈ હોવાનો BJP મહિલા કાર્યકરનો આક્ષેપ
  • અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી વોર્ડ 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

WatchGujarat નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા પાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે. રાજપીપળા પાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે.

રાજપીપળા પાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા પેરાશુટ ઉમેદવાર તો અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારો ભાજપે ઉતારતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી વોર્ડ 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

હવે નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધી તથા નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન તડવીએ વોર્ડ 7 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રાજપીપળા પાલિકા વૉર્ડ 5 અને વૉર્ડ 7 માંથી ભાજપની જ મહિલા આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે ચુંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલે વોર્ડ 6 માંથી ભાજપ અને અપક્ષ એમ 2 ફોર્મ ભર્યા હતા.

અમને ભાજપની સેવાનું ફળ ન મળ્યું, હું ફોર્મ પાછું નહિ ખેંચુ

નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષા બેન ગાંધીએ જણાવ્યું હતું કે હું, 1999 થી ભાજપમાં કામ કરૂં છું.મેં પોતે ભાજપની તમામ બેઠકોમાં હાજરી આપી છે, જવાબદારી પૂર્વક કામ પણ કર્યું છે.ગત વખતે પણ મારા વોર્ડ 5 માંથી સામાન્ય મહિલા અનામત સીટ પરથી મને ટીકીટ આપી ન્હોતી અને આ વખતે પણ મને ટીકીટ નથી આપી, સામાન્ય મહિલા અનામત સિટ પરથી આદીવાસી મહિલાને ઉમેદવાર બનાવી છે.જો પક્ષ કહેશે તો અમે રાજીનામુ પણ આપવા તૈયાર છે.અમે ભાજપની જે સેવા કરી એનું ફળ અમને ન મળ્યું, હું કોઈ પણ ભોગે ફોર્મ પરત ખેંચુ નહિ.

ભાજપે પૈસા લઈ ટિકિટ આપી: સરોજબેન તડવી

નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચા મહામંત્રી સરોજબેન તડવીએ જણાવ્યું હતું કે, મોટા નેતાઓએ ટીકીટની વહેચણી કરી નાના કાર્યકરોની અવગણના કરાઈ છે.પૈસા લઈને જ ટીકીટની ફાળવણી કરાઈ છે.મેં આટલા વર્ષો ભાજપમાં કામ કર્યું તે છતાં મને ટીકીટ નથી આપી, મેં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડને રજુઆત કરી તો એમણે જણાવ્યું કે આ બધું ઉપરથી જ થયું છે. રાજપીપળા પાલિકામાં ટીકીટ વહેચણી મુદ્દે ભાજપે વ્હાલા દવલાની નીતિ અપનાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud