• નર્મદા મૈયા બ્રિજ સોમવારે લોકાર્પિત થતા જ શાણા ગુજ્જુઓએ એક જ દિવસમાં બચાવ્યો ₹ 1.87 લાખનો Toll Tax
  • દિલ્હી-મુંબઇની ધોરીનસ સમાન છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48
  • ગોલ્ડનબ્રિજને સમાંતર 4 માર્ગીય નવા બ્રિજને કાર ચાલકોએ વિકલ્પ તરીકે ચુની ઝડપ સાથે સમય, ઇંધણ અને નાણાંની પ્રથમ દિવસે જ કરી બચત
  • હાઇવે ઉપર જૂના-નવા સરદાર બ્રિજ અને કેબલબ્રિજ પરથી 24 કલાકમાં પસાર થતા 38000 વાહનોમાં 19.73 % નો ઘટાડો
  • નર્મદા બ્રિજ ટોલ પ્લાઝાના સંચાલકોએ જ કરી કબૂલાત જેમ જેમ લોકોને ખબર પડશે કાર અને અન્ય ફોર વ્હીલર ચાલકો હાઇવે પરથી વિમુખ થતા રહેશે

વિક્કી જોશી. અજગરી ટ્રાફિકજમણા ભરડાને લઈ 4 વર્ષ પહેલાં જ મુંબઈ-દિલ્હી અને અમદાવાદની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા નદી ઉપરથી પસાર થવું વાહન ચાલકો માટે અભિમન્યુના ચક્રવ્યૂહના 7 કોઠા વિઝવા સમાન બની રહેતું. દેશનો પહેલો 4 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યા બાદ હાઇવેની કાયમી ટ્રાફિક સમસ્યા 2017 થી ક્યારેક કયારેક હંગામી બની રહેતી હતી.

જોકે જુના-નવા સરદાર બ્રિજ ઉપરથી વડોદરા તરફના અને કેબલ બ્રિજ તરફથી સુરત તરફના વાહનો પસાર થતા હોય ચોમાસામાં કે અકસ્માત જેવી સ્થિતિમાં ટ્રાફિક જામ ફરી દેશના અતિવ્યસ્ત હાઇવે ઉપર ફુફાળા મારતો હતો. જૂનો સરદારબ્રિજ તેના અસ્તિત્વનો જંગ લડતો હોય માત્ર હળવા વાહનો જ પસાર કરવામાં આવતા હતા. બીજી તરફ જુના નેશનલ હાઇવે NH 8 ઉપર 143 વર્ષ જુના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો કોઈ પર્યાય ન હોય રોજિંદા 10 થી 12 હજાર વાહન ચાલકો પસાર થવાના કારણે સાંકળા બ્રિજ પર અવાર નવાર ચક્કજામની સમસ્યા રહેતી હતી.

ગોલ્ડનબ્રિજના પર્યાય રૂપે ડિસેમ્બર 2015 માં નવો 4 લેન નર્મદા મૈયા બ્રિજનું ભૂમિપૂજન કરાયું હતું. 5 વર્ષ અને 7 મહિના બાદ નવો નર્મદા મૈયા બ્રિજ ₹430 કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર 5 કિમિ લંબાઈ માં એલિવેટેડ કોરિડોર સાથે સાકાર થયો હતો. સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ બ્રિજનું ઉદ્ઘાટન કરી લોકોને સમર્પિત કરી દીધો હતો. બસ અહીં થી જ શરૂ થાય છે. ગુજ્જુ શાણા વાહન ચાલકોની કરકસર અને બચતની ઝડપી મુસાફરી.

નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થવાના પ્રથમ દિવસે જ 24 કલાકમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી ભરૂચ પાસેથી 7500 કાર અને ફોર વ્હીલર વાહનો ગાયબ થઈ ગયા છે. જેમણે કેબલ બ્રિજના નિર્માણ બાદ માંડવા પાસે બનેલા નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા ખાતે પ્રથમ દિવસે જ ₹ 1.87 લાખનો ટોલ ટેક્સ બચાવી લીધો છે.

સુરત કે વડોદરા તરફથી આવતા વાહનો ભરૂચ કે અંકલેશ્વર આવતા NH 48 છોડીને OLD NH 8 ઉપર નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર ડાયવર્ટ થઈ જતા પ્રથમ દિવસે જ હાઇવે પર સરેરાશ 38000 જેટલા નોંધાતા વાહનો પૈકી 7500 નું ભારણ ઘટી ગયું છે.

નર્મદા બ્રિજ ટોલ ટેક્સના શુક્લાજી એ જણાવ્યું હતું કે, નવો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થઈ જતા પ્રથમ દિવસે જ 7500 કાર ઓછી થઇ ગઇ છે. હજી જેમ જેમ નવા ટોલ ટેક્સ રહિત બ્રિજની કાર અને ફોર વ્હીલર અન્ય ચાલકોને જાણ થતી જશે તેમ તેમ તેઓ ને.હા. 48 ઉપરથી ભરૂચ પાસેથી ડાયવર્ટ થતા જશે.

ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા પર સરેરાશ રોજ 35000 થી 38000 વાહનો નોંધાતા હતા. જેમાં કાર અને અન્ય ફોર વહીલર ની સંખ્યા સરેરાશ 18000 આસપાસ રહે છે. કારનો ટોલ ટેક્સ એક તરફનો ₹25 જ્યારે અન્ય 4 ચક્રીય વાહનનો ટોલ ₹40 છે. જે જોતા નવા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ કારચાલકોએ 24 કલાકમાં ₹1.87 લાખથી વધુ નાણાં બચાવી લીધા છે અને એટલા નું જ ટોલ ટેક્સના સંચાલકોને આવકમાં ગાબડું પડ્યું છે.

ગોલ્ડનબ્રિજ ઉપરથી પણ માંડ 1000 વાહનો થયા પસાર

દુલ્હનની જેમ સજાવેલા નવા ફોરલેન નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થવાનો લ્હાવો લેવા તેમજ સેલ્ફીઓ પડાવવા સોમવારથી બ્રિજ કાર્યરત થતા જ વાહનચાલકોએ પેહલી સફર ખેડવા પડાપડી કરી હતી. જેના કારણે ગોલ્ડનબ્રિજ ઉપર માંડ 1000 વાહનો દિવસ દરમિયાન પસાર થયા હતા.

ગોલ્ડનબ્રિજ અને અન્ય 3 બ્રિજના 17500 થી વધુ વાહનો ડાયવર્ટ થઈ પ્રથમ દિવસે નર્મદા મૈયા બ્રિજ પરથી થયા પસાર

ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ઉપરથી રોજિંદા સરેરાશ 10000 થી વધુ વાહનો પસાર થતા હતા. જે તમામ સોમવારથી નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર ડાયવર્ટ થઈ ગયા હતા. જ્યારે હાઇવેના 7500 તેમજ પ્રથમ દિવસે ભરૂચ અને અંકલેશ્વરના શહેરીજનો બાઇકો અને કાર લઈ નવા બ્રિજની લટાર મારવા ઉમટી પડ્યા હતા. જે જોતા હાઇવેના જુના-નવા સરદારબ્રિજ અને કેબલબ્રિજ તેમજ ગોલ્ડનબ્રિજ સાથે 4 પુલના 17500 થી વધુ વાહનોએ પ્રથમ દિવસે જ નવા બ્રિજનો ઉપયોગ કર્યો હતો.

હાઇવે પરથી હજી 20 થી 30 ટકા હળવા વાહનોનું ભારણ ઘટશે

હાલ નેશનલ હાઇવે પરથી દૈનિક પસાર થતા સરેરાશ 35 થી 38000 વાહનોમાં 17 થી 18000 ઉપર કાર અને અન્ય ફોર વ્હીલર હોય છે જેઓ પણ ધીમે ધીમે ટોલ ટેક્સ, અંતર અને ઇંધણ બચાવવા નર્મદા મૈયા બ્રિજ તરફ વળે તેમ છે. ભારે વાહનો સિવાય અન્ય વાહનો ટોલ ટેક્સ બચાવવા નવા ફોરલેન બ્રિજનો વિકલ્પ પસંદ કરશે તેમાં કોઈ બેમત નથી.

ભરૂચ અને અંકલેશ્વર સિટીમાં બહારના વાહનોનું ભારણ વધ્યું

હાઇવેના વાહનો નર્મદા મૈયા બ્રિજ ઉપર વળતા ભરૂચની નર્મદા ચોકડીથી, ABC સર્કલ, કોલેજ રોડ તેમજ સામે છેડે અંકલેશ્વર સિટીમાં બહારના વાહનોનું ભારણ 25 થી 30 ટકા વધી જશે. જેને લઈ હવે બન્ને સિટીમાં હાઇવે પર સર્જાતા ટ્રાફિકજામનો પગપેસારો સમયાંતરે જોવા મળી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud