• આસામથી નોકરી માટે ગોધરા આવેલ યુવતીને શોષણનો ભોગ બનતા અટકાવતી ૧૮૧ અભયમની ટીમ
  • નોકરીના સ્થળે માલિક ગેરકાયદેસર ગોંધી રાખી સંબંધ રાખવા દબાણ કરતો હતો

એક યુવતીએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું હતું કે, હું આસામથી નોકરી અર્થે ગોધરા આવી છું. એક સ્થળે ઘરકામનું કહી મને કામ આપ્યું હતું. પરંતુ મારા માલિક મને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખે છે. યુવતીએ અભયમ ગોધરા રેસ્ક્યુ ટીમને મદદ માટે અપીલ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને માલિકના કબજામાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ આશ્રય અપાવ્યો હતો.

મૂળ આસામની ૨૨ વર્ષની યુવતી રોજગારી માટે ગુજરાત આવી હતી. જ્યાં ગોધરા ખાતે એક વ્યક્તિએ તેને ઘરકામ માટે દસ હજારના માસિક પગારે રાખી હતી. પરંતુ થોડા દિવસ બાદ તેણે યુવતીને શરીરે માલિશ કરવા, પગ દબાવવા જેવી કામગીરી કરવા અને આડકતરી રીતે તેને શારીરિક સંબંધ માટે જણાવતા યુવતીએ વિરોધ કર્યો હતો. વિરોધથી ઉશ્કેરાયેલ વ્યક્તિએ બહેનને ગેરકાયદેસર ગોંધી રાખી હતી અને ઘર બહાર જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

બિન ગુજરાતી એવી આસામની યુવતીને અહીં કોઈ ઓળખતું ના હતું જેથી મદદ માટે કોને કહેવું તે અંગે મૂંઝવણમાં મૂકાયેલ તેણે મોબાઈલમાં સર્ચ કરતા ૧૮૧ મહિલા હેલ્પલાઇન વિષે જાણકારી મળી હતી. તેણે તુરંત ફોન કરી પોતાની આપવીતી જણાવતા અભયમ ટીમ પોલિસને સાથે રાખી મદદ અર્થે આવી પહોંચી હતી.

અભયમ ટીમે માલિકને આ અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે કોઈ દિલ્હીની વ્યક્તિએ તેને અહીં મોકલેલ છે અને મેં તેને ૪૫,૦૦૦ રૂપિયા આપ્યા છે. અભયમ ટીમે કડક રીતે માલિકને જણાવ્યું હતું કે કોઈપણ સ્ત્રીને શારીરિક સંબંધ માટે સીધી કે આડકતરી રીતે દબાણ કરવું ગુનો બને છે અને યુવતીને ગુનો નોંધાવવા અંગે પૂછ્યું હતું. જો કે યુવતીએ ગુનો નોંધાવવા અંગે અનિચ્છા દર્શાવી વતન પાછા ફરવા જણાવ્યું હતું, જેથી અભયમની ટીમે તેને યોગ્ય સ્થાને આશ્રય અપાવ્યો હતો. જે બદલ યુવતીએ ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !