કુલીન પારેખ. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના બર્થ-ડે નિમિતે ખાસ હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. કોમનમેનથી મુખ્યમંત્રી પદ સુધીની સફર ખેડનારા રૂપાણી બાળપણથી જ RSSનાં સ્વયંસેવક છે. અને તેઓ માને છે કે ‘શબ્દો કરતા કામ વધુ બોલે છે’ વિજય રમણીકલાલ રૂપાણીનો જન્મ વર્ષ 1956 માં ક્રાંતિકારી પ્રભાવ ધરાવતા ઓગષ્ટ મહિનાની 2જી તારીખના રોજ બર્મામાં થયો હતો. તેમજ ગત તારીખ 07-08-2016થી તેઓ ગુજરાતમાં સરકારનું નેતૃત્વ કરવાની વિશિષ્ટ જવાબદારી નિભાવી રહ્યા છે.  સાચા અને વિનમ્ર વ્યક્તિત્વનાં માલિક વિજય રૂપાણીમાં સંઘ સંસ્કૃતિ, શિષ્ટાચાર તેમજ અથાગ પ્રયત્નો નાનપણથી જ રહેલા છે. અને આ ગુણો તેની રાજકીય કારકિર્દીના સ્તંભ અને તેમની વિશેષતા છે.

બાળપણથીજ RSS ના સ્વયંસેવક

વિજય રૂપાણીનો જન્મ બર્મા (રંગૂન શહેર)માં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને કારકિર્દીનું ગુણાત્મક નિર્માણ રાજકોટ ખાતે થયું છે. જવાબદારી ઉપાડવાની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની સહજવૃતિ તેમનામાં પહેલેથી જ હતી. જેને લઈને જ તેઓ બાળપણથી RSSનાં સ્વયંસેવક બની ગયા હતા. આ દરમિયાન તેમને કોઈપણ કામ સોંપવામાં આવે ત્યારે, તેમની કામગીરી હંમેશા આંકી દેનારી રહી હતી. સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થી સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતી વખતે તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ એક દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય જૈન પરિવાર અને પરંપરામાં જ ઉછરેલા વિજય રૂપાણીનાં વ્યક્તિત્વમાં વારસાગત વિનમ્રતા પ્રબળપણે ઝળકી ઉઠે છે.

વિદ્યાર્થી નેતા (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP)

વિજય રૂપાણી સ્વાભાવિક રીતે જન્મજાત નેતા હોવા છતા તેમણે હંમેશા લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું છે. પાયાના સ્તરે પક્ષના કાર્યકર્તાઓ સાથે સામૂહિક જોડાણ જાળવી રાખતી વખતે પણ તેમણે પોતાની જાત સાથેનો સંવાદ વધારે મજબૂત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. તેમણે ભ્રષ્ટ પ્રથાઓ વિરુદ્ધ ચળવળ ચલાવવા માટે દૃઢ મનોબળ વિકસાવ્યું છે. અને તેમના કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.

વિજય રૂપાણીએ કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો

વિજય રૂપાણી કટોકટી દરમિયાન લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા. અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(એમઆઈએસએ) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો. માનવ સમાજની સેવા માટે તેની આંતરિક પ્રેરણા અને સમર્પણ તેમને સ્થાનિક રાજકારણમાં લાવી હતી. અન્યાયી પ્રથાઓ વિરુદ્ધ પડકારોનો સામનો કરવા માટે તેઓ પૂરતા સક્ષમ હોવાનું વિચારીને તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

રાજકોટ મેયર, પ્રદેશ ભાજપ પ્રવકતા-મહામંત્રી, જિલ્લા પ્રભારી

વિજય રૂપાણી રાજકોટના મેયર અને સંગઠનના નેતા પણ બન્યા હતા. તેમના સમજણવૃત્તિ ધરાવતા સ્વભાવ અને હૃદયસ્પર્શી વસ્તૃત્વના કારણે તેમને પ્રદેશ ભાજપના પ્રવક્તાના પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની બૌદ્ધિક ક્ષમતા અને પક્ષના સર્વોચ્ચ નેતાઓ સાથે સંવાદિતતા અને નાનામાં નાના સામાન્ય કાર્યકર્તા સાથે સામીપ્ય થકી તેઓ પક્ષના વિકાસ માટે મજબૂત કડી બનીને ઉભરી આવ્યાં હતા. પક્ષની નીતિઓ અને રોજિંદી પરિસ્થિતિઓના ઊંડા જ્ઞાન અને આંતરિક બાબતો દ્વારા અને પ્રવક્તા તરીકે તેમની કુશળતા અને મુત્સદ્દીગીરી દ્વારા તેણે અનેક સ્વરૂપો અને સમિકરણો બદલી કાઢ્યાં હતા. રાજકોટ શહેરના મેયર તરીકે ચૂંટાયા બાદ તેમની વહીવટી કુશળતા દ્વારા રાજકોટ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બની હતી. તેમને કેન્દ્ર સરકારના વિદેશી બાબતોના મંત્રાલયની પરવાનગી સાથે રાજકોટ અને બ્રિટનના લેસ્ટર વચ્ચે ‘ટિવન સિટી’ ના ઐતિહાસિક કરારના માધ્યમ અને સાક્ષી બનવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.

6 વર્ષ રાજ્યસભાના સાંસદ રહ્યા વિજય રૂપાણી

વર્ષ 2006 થી 2012 સુધી, રાજ્યસભામાં વિજય રૂપાણીની પસંદગી થઈ હતી. જેમાં સાંસદ તરીકે તેમણે પોતાની ફરજો ખૂબ અસરકારક રીતે અદા કરી હતી. આ સમય દરમિયાન, કેન્દ્ર સરકારની વિવિધ સમિતિઓ જેવી કે, જળસ્ત્રોત સમિતિ, ગૌણ કાયદા ઘડવાની સમિતિ, માનવ સંસાધન વિકાસ સમિતિ, પેપર લેઈડ ઓન ધ ટેબલ સમિતિ, કસ્ટમ્સ બાબતો અને જાહેર વિતરણ સમિતિ, જાહેર સાહસ સમિતિ વગેરેમાં પણ તેમની વરણી થઈ હતી.

રાજકોટના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી

વિજયભાઈ રાજકોટ-69 વિધાનસભા મતક્ષેત્રમાંથી તા. 19-10-2014નાં રોજ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સ્થાનિક લોકોને સમજવાની તેમની કુનેહ અને ક્ષમતાને કારણે જ તેમણે જંગી બહુમતીથી આ જીત મેળવી હતી. બાદમાં 19-11-2014નાં રોજ પરિવહન અને પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તરીકેનો કાર્યભાર તેમણે સંભાળ્યો હતો. અને તેઓની અસરકારક કામગીરીના પગલે પાણી પુરવઠાના કાર્યોમાં થતા વિલંબની ફરિયાદો ખૂબ જ ઘટવા લાગી હતી. તો સૂકી પડતર જમીનમાં હરિયાળી લાવવામાં અને જ્યાં પાણીની કાયમ અછત હતી ત્યાં પાણીની ઉપલબ્ધતા કરાવવામાં તેઓ ખૂબ જ સફળ રહ્યા હતા. સાથે સાથે શ્રમયોગીઓના કલ્યાણ માટે તેમણે નવો ધારો ઘડીને તેનો અમલ કરાવ્યો હતો. અને વંચિતોને U-WIN CARD આપવાની યોજના પણ તેઓ લાવ્યા હતા.

મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ સફળતાપૂર્વક પુરા કર્યા

ગુજરાત રાજ્યના ભાજપના શાસનકાળમાં અનેક મહત્વના હોદ્દાઓ પર કામ કરનાર વિજય રૂપાણી ગત તારીખ 07-08-2016ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. હાલ સમગ્ર ગુજરાત કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ દરેક નાગરિકની સતત ચિંતા કરી રહી છે. અને લોકોને આરોગ્યની સારામાં સારી સુવિધાઓ મળી રહે તેવા સતત પ્રયત્નો રૂપાણી સરકાર કરી રહી છે. આજે તેમના જન્મદિવસે સતત કામ થકી આગવી ઓળખ ઊભી કરનારા વિજય રૂપાણીને લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે વોચ ગુજરાત ન્યુઝ પણ તેઓ ચીરકાળ સુધી લોકોનાં હૃદયમાં રાજ કરે અને ગુજરાતનાં અભૂતપૂર્વ વિકાસનાં નિમિત્ત બને તેવી શુભકામનાઓ પાઠવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud