• પોરબંદર-જામનગર રોડ પર દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે બે માસુમ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે પગપાળા જતા હતા
  • દરમિયાન રોડ પર પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કારે બંનેને હડફેટે લેતાં જ બંને ફૂટબોલની માફક ફંગોળાયા
  • કાર ચાલકે બેકાબૂ રીતે કાર હંકારીને પહેલા તો બંને બાળકોને કચડ્યા

WatchGujarat. રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ ગઇકાલે જ અમરેલીના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ગોઝારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસે બની છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક કિશોરી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જઈ રહી હતી. ત્યારે બેકાબૂ ઇનોવા કારે હડફેટે લઈ ફંગોળતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેને લઈ પોલીસે અજાણ્યા કાર ચાલકને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પોરબદર-જામનગર રોડ પર દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે આજે સવારે આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષની કિશોરી પોતાના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે પગપાળા જતી હતી. દરમિયાન રોડ પર પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કાર (નં. GJ-01-HS-0188)એ બંનેને હડફેટે લેતાં જ બંને ફૂટબોલની માફક ફંગોળાયા હતા. અને ઘટનાસ્થળે જ બંને બાળકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક માસુમ બાળકને ઇજા પહોંચી હતી.

આ વાતની જાણ થતા જ ગામના લોકો દોડી આવ્યા હતા. કાર ચાલકે બેકાબૂ રીતે કાર હંકારીને પહેલા તો બંને બાળકોને કચડ્યા હતા. બાદમાં કાર ખેતરની દિવાલ તોડીને અંદર ઘૂસી જતા કારચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવને પગલે બાળકોના માથા પર આભ તૂટી પડ્યુ છે. જો કે હાલ પોલીસે સીસીટીવી અને કારનાં નંબરનાં આધારે કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud