• તાજેતરમાં જાપાન દેશમાં ટોક્યો શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક ખેલમાં સાત મેડલ મેળવી, આપણા ખેલાડીઓએ ભારત દેશને ગૌરવ અપાવ્યું
  • ખેલાડીઓને બિરદાવવા માટે કિસાનપરા ચોક ખાતે ચિત્રનગરીના કલાકારો દ્વારા આ સાત ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા
  • રાજકોટના સત્તાધીશો દ્વારા કલાકારોની પ્રશંશનીય કામગીરી બિરદાવી

WatchGujarat. રંગીલું ગણાતું રાજકોટ કંઇક અવનવું કરવા માટે હંમેશા જાણીતું રહ્યું છે. ત્યારે દેશમાં સૌ-પ્રથમવાર ચિત્રનગરીનાં કલાકારોએ ઓલિમ્પિકમાંથી ભારત માટે મેડલ જીતનાર 7 ખેલાડીઓનાં ચિત્રો બનાવ્યા છે. કુલ ત્રણેક દિવસની મહેનત બાદ આમ્રપાલી અંડરબ્રીજની દીવાલો પર આ અદ્ભૂત ચિત્રો તૈયાર થતા મેયર, ડે. મેયર, અને મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. અને ચિત્રનગરીનાં કલાકારો દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા કરી હતી.

તાજેતરમાં જાપાન દેશમાં ટોક્યો શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક ખેલમાં સાત મેડલ મેળવી, આપણા ખેલાડીઓએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓને બિરદાવવા માટે કિસાનપરા ચોક ખાતે ચિત્રનગરીના કલાકારો દ્વારા આ સાત ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ડૉ.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર ભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા હાજર રહ્યા હતા. અને ચિત્રનગરીના કલાકાર રૂપલબેન સોલંકી, રાજભા જાડેજા, રમેશભાઈ મુંધવા,સુધીર ભાઈ ગોહિલ, શિવમ અગ્રવાલ, જ્ય દવે, શક્તિરાજ જાડેજા, અદિતિ સાવલિયા, સિદ્ધાર્થ હરિયાની, સમર્થ હરિયાની, કેશવી ઠાકરની આ કામગીરીને બિરદાવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરશનના સાથ સહકારથી છેલ્લા છ વર્ષથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા રાજકોટમાં આવેલી વિવિધ દીવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તેર હજારથી પણ વધુ ચિત્રો બનાવવામાં આવ્યા છે. અને આશરે એક હજાર જેટલા કલાકારો નિ:સ્વાર્થ ભાવે આ અભિયાનમાં જોડાયેલા છે. આ કલાકારો દ્વારા માત્ર રાજકોટ નહીં જામનગર, દ્વારકા, વાંકાનેર, શિવરાજપુર બીચ, ઓખા, વાંકાનેર,  સુરેન્દ્રનગર, જસદણ અને અમદાવાદની સાબરમતી જેલની દીવાલો ઉપર આ કલાકારોએ ચિત્રો બનાવી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud