• ચાર દિવસ પહેલા જામવાડી જીઆઈડીસીમાં બાયોડીઝલના 4,100 લીટર જથ્થા સાથે ભાવેશ હદવાણીને ઝડપી લેવામાં આવ્યો
  • આરોપીએ બાયોડીઝલનો જથ્થો શ્રીરામ પેટ્રોલપંપ વાળા અને જામવાડીના ભાજપ આગેવાન પ્રફુલભાઈ ઉર્ફે બાવભાઈ ટોળિયા પાસેથી લીધાની કબુલાત આપી
  • પી.આઈ એસ.એમ. જાડેજા સહિતના સ્ટાફે ભાજપ આગેવાન પ્રફુલભાઈ ટીળીયા ઉર્ફે બાવભાઈની ધરપકડ કરી

Watchgujarat. ગોંડલ બાયોડીઝલના કાળા કારોબારમાં ભાજપનાં સ્થાનિક આગેવાનની સંડોવણી સામે આવી છે. ગેરકાયદે બાયોડિઝલના આ કાળા કારોબારમાં રાજકીય નેતાઓની સીધી સંડોવણીના આક્ષેપોને સમર્થન મળતા ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જામવાડી પાસે પાડેલા દરોડામાં ભાજપ આગેવાનની સંડોવણી ખુલતા ગેરકાયદે બાયોડીઝલના વેપલામાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય બે સ્થળે દરોડામાં પણ 3 શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત અનુસાર, ચાર દિવસ પહેલા જામવાડી જીઆઈડીસીમાં બાયોડીઝલના 4,100 લીટર જથ્થા સાથે ભાવેશ હદવાણીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીએ બાયોડીઝલનો જથ્થો શ્રીરામ પેટ્રોલપંપ વાળા અને જામવાડીના ભાજપ આગેવાન પ્રફુલભાઈ ઉર્ફે બાવભાઈ ટોળિયા પાસેથી લીધાની કબુલાત આપી હતી. જેને પગલે પી.આઈ એસ.એમ. જાડેજા સહિતના સ્ટાફે ભાજપ આગેવાન પ્રફુલભાઈ ટીળીયા ઉર્ફે બાવભાઈની ધરપકડ કરી છે. અને હાલ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત બે જગ્યા પર બાયોડીઝલના પંપ ચાલુ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે દરોડા પાડી 3 શખ્સની ધરપકડ કરી 13,500 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 13,66,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગોંડલ પોલીસે  ચોક્કસ બાતમીનાં આધારે ગુંદાળા રોડ પરનાં યમુના કોમ્પ્લેક્સ સામે ગોડાઉનમાં ગેરકાયદે બાયોડીઝલનો સંગ્રહ અને વેચાણ થતું હોય દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી અલગ અલગ 3 ટાંકામાં 1500, 3000 અને 3000 એમ કુલ 7500 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

વધુ તપાસ દરમિયાન આ પંપનું સંચાલન પંકજભાઇ રાયચુરા અને ધવલભાઇ ગમારા કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી બન્નેની ધરપકડ કરી 7500 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ રૂ. 7,50,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ આશાપુરા ચોકડી ખાતે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધર્મેશ નકુમ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો પંપ રાખી સંગ્રહ તેમજ વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ત્યાં દરોડો પાડી પોલીસે 6000 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 6,16,000 મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud