• ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલ છાત્રોની વહારે આવ્યા
  • વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, આપ આ અંગે ઘટતું કરવાની આશા સાથે લખ્યો શિક્ષણમંત્રીને પત્ર
  • ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ છાત્રોમાં ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32,400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97,000 જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા

Watchgujarat. કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે ધોરણ 10-12ની પરીક્ષાઓ રદ્દ કરી છે. અને છાત્રોને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. પરંતુ તેમાં રિપીટર છાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અને તેઓની પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલ આ છાત્રોની વહારે આવ્યા છે. અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ-10નાં રિપીટર છાત્રોને માસ પ્રમોશન આપવાની માંગ કરી છે. સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ તમામ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે, કોરોનાના વિશ્વવ્યાપી હૂમલાને લઈ તંત્ર અસ્તવ્યસ્ત થતા છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણ કાર્ય પણ બંધ છે. અને પરિક્ષાઓ પણ લઇ શકાય તેવી સ્થતિ રહી નથી. જે પરિસ્થિતિને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે ધો.10-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના અનુસંધાને રાજ્ય સરકારે પણ ધો.10-12ની પરીક્ષા રદ્દ કરી છે. ત્યારે આપ સાહેબને મારી વિનંતી છે કે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓ કે જેઓ એક બે કે ત્રણ વિષયમાં ફેઈલ થયા હોય તેનાં અંગે પણ નિર્ણય કરીને તેમને પણ આ માસ પ્રમોશન આપવું જોઈએ. અને તેમના આગામી પરિણામોને ધ્યાને લઈ તે પ્રમાણે માર્ક્સ આપી પાસ કરવા જોઈએ. જેથી તે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, આપ આ અંગે ઘટતું કરશો તેવી અપેક્ષા છે.

ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ છાત્રોમાં ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32,400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97,000 જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા છે. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી છે. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી. જો કે ગુજરાત બોર્ડે ધોરણ 10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપતા રિપીટર વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે ધારાસભ્યની આ રજૂઆત બાદ સરકાર રિપીટર છાત્રો માટે શું નિર્ણય લેશે તે જોવું રહ્યું.

સૌરાષ્ટ્ર યુનિ.માં 15 અને 21 જુનથી શરૂ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ

બીજીતરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આગામી તા.15 જુન તથા તા. 21 જુનથી શરુ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. હાલની પરિસ્થિતિને લઈને સરકારના આદેશ બાદ યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ જણાવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવા માટે સરકારનુ સૂચન હોવાનું કહી તેમણે પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud